આઝાદીની ચળવળના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્રના માર્ગદર્શક એવા શ્રી વિઠ્ઠલભાઈ પટેલની ૧૫૩મી જન્મજયંતિ નિમિત્તે આજે ગુજરાત વિધાનસભા બિલ્ડિંગ ખાતે એક વિશેષ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભાના સચિવ શ્રી સી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં, વિધાનસભા બિલ્ડિંગના પ્રથમ માળે આવેલા પોડિયમમાં સ્થિત શ્રી વિઠ્ઠલભાઈ પટેલના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવાંજલિ આપવામાં આવી હતી.

જાહેરાતAdvertisement

રાજ્યની ભાવી પેઢી રાષ્ટ્રના મહાનુભાવોના જીવન અને કાર્યોમાંથી પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ્યથી યોજાયેલા આ પ્રેરણાદાયી પ્રસંગે ગાંધીનગરની એસ.એસ.સી. શાળાના વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ શ્રી વિઠ્ઠલભાઈ પટેલના જીવન, દેશ સેવા અને આઝાદીની લડતમાં તેમના અતુલ્ય યોગદાન તથા કાર્યો વિશે વક્તવ્ય આપી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભા સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી વિઠ્ઠલભાઈ પટેલના રાષ્ટ્રનિર્માણના વિચારોને યાદ કર્યા હતા.