અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આધ્ય સંસ્થાપક-સંરક્ષક અને નારી જાગરણના પ્રણેતા પ.પૂ. વંદનીય માતાજી ભગવતી દેવી શર્માજીના મહાપ્રયાણ દિવસ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

તા. 26 સપ્ટેમ્બર, શનિવારના રોજ ભાદરવા સુદ પૂનમના પાવન દિવસે બપોરે 3:30થી સાંજે 5:30 વાગ્યા દરમિયાન ગાયત્રી પરિવાર નારણપુરા અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જાહેરાતAdvertisement

કાર્યક્રમમાં ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રના મંત્રોચ્ચાર સાથે ધૂન, ભજન અને સંગીતના માધ્યમથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. શ્રી પ્રવીણભાઈ એમ. પટેલના સંગીત વૃંદના સહયોગથી ગાયત્રી દીપયજ્ઞ, પૂજન અને અર્ચન કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગાયત્રી પરિવારજનો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને પ.પૂ. માતાજી ભગવતી દેવી શર્માજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

કાર્યક્રમ દરમિયાન પ.પૂ. ગુરુદેવ આચાર્ય પંડિત શ્રીરામ શર્માજી આચાર્ય દ્વારા લિખિત સદ્ સાહિત્ય, સત્સંકલ્પ પત્ર, ગાયત્રી ચાલીસા તેમજ પ્રસાદ અને નાસ્તાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક માહોલ વચ્ચે સંપન્ન થયો હતો.