હિંમતનગરની વિદ્યાનગરી ખાતે આવેલી પારુલબા એમ.એસ.ડબલ્યુ. કોલેજમાં સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 30 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં વિશ્વ મંગલમ કેળવણી મંડળ, વિદ્યાનગરીના પ્રમુખ ડૉ. ડી.એલ. પટેલ, ટ્રસ્ટીગણ, ડાયરેક્ટર, CEO, ભગીની સંસ્થાના પ્રિન્સિપાલશ્રીઓ તેમજ પારુલબા એમ.એસ.ડબલ્યુ. કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર કુશ મકવાણા સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ટ્રસ્ટીશ્રી અને કોલેજના આચાર્યશ્રી દ્વારા વિષયને અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ, સાબરકાંઠાના પ્રોટેક્શન ઓફિસર મુકેશકુમાર ડી. સોલંકી દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફને વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
જેમાં દિવ્યાંગ લાભાર્થીઓ માટેની કલ્યાણકારી યોજનાઓ, મિશન વાત્સલ્ય યોજના, બાળકોના કાયદા અને અધિકારો અંગે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006, પોક્સો એક્ટ-2012 તેમજ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશાથી દૂર રહેવા અંગે જાગૃતિ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં સ્ટાફ સહિત કુલ 128 વિદ્યાર્થીઓએ હાજરી આપી, અને વિદ્યાર્થીઓને બાળ સુરક્ષા, કાયદાકીય અધિકારો તથા વિવિધ સરકારી યોજનાઓ અંગે ઉપયોગી માર્ગદર્શન મળ્યું હતું.

