શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0’ના અસરકારક અમલીકરણને પાયાના સ્તરે વધુ મજબૂત કરવાની દિશામાં મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત રાજ્યના દરેક આંગણવાડી કેન્દ્ર માટે આંગણવાડી વ્યવસ્થાપન સમિતિ (એએમસી)ની રચના કરવામાં આવશે. તેનો ઉદ્દેશ આંગણવાડી સેવાઓમાં સમુદાયની વ્યાપક ભાગીદારી વધારવાની સાથે પોષણ, આરોગ્ય, પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ (ઈસીસીઈ)ની ગુણવત્તા, પારદર્શિતા અને જવાબદારીને મજબૂત કરવાનો છે.
મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન તથા મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલી આ પહેલ મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0ની તે વ્યાપક વિચારધારાને સ્થાનિક કક્ષાએ મજબૂતી આપશે; જેમાં બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓના પોષણ, આરોગ્ય તથા સર્વાંગી વિકાસ માટે વિવિધ સેવાઓને એકીકૃત અભિગમ સાથે આગળ વધારવામાં આવી રહી છે. ભારત સરકાર અનુસાર મિશનનો ઉદ્દેશ કુપોષણના પડકારનો સામનો કરવાની સાથે વધુ સારા આરોગ્ય, કલ્યાણ અને રોગપ્રતિકારક શક્તિ માટે સમુદાયની ભાગીદારી, આઉટરીચ, વર્તણૂક પરિવર્તન અને જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે.

ગુજરાત સરકારના આ નિર્ણય અંતર્ગત દરેક આંગણવાડી કેન્દ્ર માટે સંબંધિત બાળ વિકાસ યોજના અધિકારી (સીડીપીઓ) દ્વારા એએમસીની રચના કરવામાં આવશે. સમિતિના તમામ સભ્યો મહિલાઓ હશે. તેમાં સંબંધિત મહિલા સુપરવાઈઝર અધ્યક્ષ તથા આંગણવાડી કાર્યકર સભ્ય-સચિવ અને 1 આશા કાર્યકર, આંગણવાડીમાં નોંધાયેલા 3થી 6 વર્ષના બાળકોની 2 માતાઓ, સ્થાનિક સ્વસહાય જૂથ (એસએચજી) અથવા સ્થાનિક બિનસરકારી સંસ્થા (એનજીઓ)/નાગરિક સમાજ સંગઠન (સીએસઓ)ની 1 મહિલા સભ્ય તેમજ નજીકની સરકારી પ્રાથમિક શાળાની 1 મહિલા શિક્ષિકાનો સમાવેશ થશે.
આ રીતે સરકાર અને સમુદાય વચ્ચે આંગણવાડી કેન્દ્રને એક મજબૂત સહભાગી કડી તરીકે વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને બાળકોની માતાઓને સમિતિમાં પ્રતિનિધિત્વ મળવાથી બાળકોના પોષણ, આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણ સંબંધિત પાયાના સ્તરના અનુભવોને સીધા સમિતિની સમીક્ષા અને કાર્યપ્રણાલીમાં સામેલ કરી શકાશે
આંગણવાડી મૅનેજમેન્ટ કમિટી (એએમસી)નો મુખ્ય ઉદ્દેશ 0થી 6 વર્ષના બાળકોમાં કુપોષણ તથા વિકાસાત્મક વિલંબ ઘટાડવા તેમજ તેમના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવામાં સહયોગ આપવાનો છે. તેની સાથે આંગણવાડી કાર્યકરને વધુ સારી સેવાઓ પ્રદાન કરવામાં સહયોગ, માતા-પિતા અને સંભાળ રાખનારાઓમાં જવાબદાર બાળ સંભાળ પ્રત્યે જાગૃતિ, આરોગ્ય સેવાઓનો સમયસર ઉપયોગ તેમજ સગર્ભા અને ધાત્રી મહિલાઓના પોષણને પ્રોત્સાહન આપવાનો પણ સમિતિની જવાબદારીઓમાં સમાવેશ થાય છે.
આ વ્યવસ્થા આરોગ્ય, શિક્ષણ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ વચ્ચે વધુ સારા સંકલનને પણ પ્રોત્સાહિત કરશે. સાથે જ આંગણવાડી કેન્દ્રો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી સેવાઓમાં પારદર્શિતા, જવાબદારી અને ઉત્તરદાયિત્વને પ્રોત્સાહન આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
*દર બે મહિને આંગણવાડી કેન્દ્રની વ્યાપક સમીક્ષા*
આંગણવાડી મૅનેજમેન્ટ કમિટીની દર બે મહિને એક વખત આંગણવાડી કેન્દ્ર ખાતે બેઠક યોજાશે. બેઠકમાં કેન્દ્રના નિયમિત સંચાલન અને ત્યાંથી ઉપલબ્ધ કરાવવામાં આવતી સેવાઓના સમયબદ્ધ, અસરકારક અને ગુણવત્તાયુક્ત અમલીકરણની સમીક્ષા કરવામાં આવશે. સમુદાય, આંગણવાડી કેન્દ્ર અને સ્થાનિક સંસ્થાઓ વચ્ચેના સંકલન દ્વારા બાળકો માટે સુરક્ષિત, અનુકૂળ અને શીખવા માટે જરૂરી સંસાધનોથી સજ્જ વાતાવરણ વિકસાવવા પર પણ કામગીરી કરવામાં આવશે.
સમિતિ આંગણવાડી ભવન, પીવાનું પાણી, શૌચાલય, રસોડું, સ્ટોરેજ, ફર્નિચર, સાધનો, Teaching Learning Material (TLM), ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા સહિતની પાયાની સુવિધાઓની નિયમિત સમીક્ષા કરશે. સ્થાનિક સ્તરે જે સમસ્યાઓનું નિરાકરણ શક્ય હશે, તેના માટે જરૂરી પ્રયાસો કરવામાં આવશે તથા મોટી સમસ્યાઓ કાર્યક્રમ અધિકારી અને સીડીપીઓ સમક્ષ રજૂ કરવામાં આવશે.
મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 હેઠળ આંગણવાડી કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવવામાં આવતી પોષણ સેવાઓને વધુ અસરકારક બનાવવામાં પણ એએમસીની મહત્વની ભૂમિકા રહેશે. સમિતિ પૂરક પોષણ આહારના વિતરણ, ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા અને તાજગી તેમજ નિર્ધારિત પોષણ ધોરણોના પાલનની સમીક્ષા કરશે. બેઠકના નિર્ધારિત સમીક્ષા ફૉર્મેટમાં THR, HCM, પોષણ સુધારણા સંબંધિત જોગવાઈઓ અને અન્ય પોષણ સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
તે જ રીતે 0થી 6 વર્ષના બાળકોનાં ગ્રોથ મૉનિટરિંગ, 0થી 3 વર્ષના બાળકોના વિકાસાત્મક તબક્કાઓની દેખરેખ, આરોગ્ય તપાસ, કુપોષિત બાળકોની ઓળખ, રેફરલ તથા અગાઉથી રેફર કરવામાં આવેલા કેસોના ફૉલોઅપ પર પણ નજર રાખવામાં આવશે.
આંગણવાડી કેન્દ્ર માત્ર પોષણનું કેન્દ્ર ન રહે, પરંતુ બાળકોના પ્રારંભિક વિકાસ અને શીખવાનો મજબૂત આધાર બને; તે માટે ઈસીસીઈ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સમિતિ ‘આધારશિલા’ અનુસાર દરરોજ થતી પૂર્વ-પ્રાથમિક શિક્ષણ પ્રવૃત્તિઓની સમીક્ષા અને અસરકારક સંચાલનમાં સહયોગ કરશે.
નિર્ધારિત સમીક્ષા ફૉર્મેટમાં એ પણ જોવામાં આવશે કે બાળકો માટે અભ્યાસક્રમ આધારિત પ્રવૃત્તિઓ નિયમિત રીતે થઈ રહી છે કે નહીં, બાળ દિવસની થીમ અનુસાર પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે કે નહીં તથા બાળકોના સર્વાંગી વિકાસ અને તેમની માસિક પ્રવૃત્તિઓનો રેકોર્ડ વ્યવસ્થિત રીતે રાખવામાં આવી રહ્યો છે કે નહીં.
ભારત સરકારના મિશનમાં પણ ઈસીસીઈને મહત્વપૂર્ણ ઘટક તરીકે સામેલ કરવામાં આવ્યું છે અને જુલાઈ 2026માં બે લાખ આંગણવાડી કેન્દ્રોને વધુ સારા પોષણ તથા ઈસીસીઈ પ્રવૃત્તિઓ માટે સક્ષમ આંગણવાડી તરીકે અપગ્રેડ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
*દરેક પાત્ર બાળક અને માતૃશક્તિ સુધી સેવાઓની પહોંચ*
એએમસી દ્વારા એ પણ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે કે કોઈ પાત્ર લાભાર્થી આંગણવાડી સેવાઓથી વંચિત ન રહે. સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ તથા 0થી 6 વર્ષના બાળકોની ઓળખ, પરિવાર કક્ષાએ સર્વેક્ષણ અને સામુદાયિક મૅપિંગ દ્વારા તમામ પાત્ર લાભાર્થીઓનું સંપૂર્ણ કવરેજ સુનિશ્ચિત કરવામાં સમિતિ સહયોગ કરશે.
વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોની ઓળખ, નોંધણી, હાજરી અને સમાવેશી સેવાઓની નિયમિત દેખરેખ પણ વ્યવસ્થાનો ભાગ રહેશે. પોષણ ટ્રૅકર પર લાભાર્થીઓની માહિતી અપડેટ રાખવા અને આંગણવાડી સેવાઓના કવરેજની સમીક્ષા દ્વારા ડેટા આધારિત દેખરેખને પણ મજબૂતી મળશે.
*પોષણ વાટિકા અને જનભાગીદારીને મળશે પ્રોત્સાહન*
આંગણવાડી સેવાઓને સમાજના વ્યાપક સહયોગથી મજબૂત કરવા માટે વાલીઓ, સ્વયંસેવકો, ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ, કોર્પોરેટ એકમો, એનજીઓ, સીએસઓ અને અન્ય સામુદાયિક સંગઠનોને સમય, નિપુણતા અને સંસાધનોના સહયોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. રમકડાં, કપડાં, એક્ટિવિટી બૅંક, શિક્ષણ સામગ્રી અને અન્ય જરૂરી સંસાધનોના સહયોગને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.
પંચાયતી રાજ સંસ્થાઓ તથા શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સહકારથી પોષણ વાટિકા (ન્યુટ્રી-ગાર્ડન)ની સ્થાપના અને નિયમિત જાળવણી માટે પણ પ્રયાસો કરવામાં આવશે. તેનાથી સ્થાનિક કક્ષાએ પોષણ, જાગૃતિ અને સામુદાયિક ભાગીદારીને એકસાથે પ્રોત્સાહન આપવાની તક મળશે.
એએમસીની બેઠક માટે સાત સભ્યોમાંથી ઓછામાં ઓછા ચાર સભ્યોની હાજરી ફરજિયાત રહેશે. તેમાં સમિતિના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની હાજરી આવશ્યક રહેશે. નિર્ણયો સર્વસંમતિથી લેવાનો પ્રયાસ કરવામાં આવશે અને જરૂરિયાત જણાય ત્યારે બહુમતીના આધારે નિર્ણય લેવામાં આવશે.
દરેક બેઠકની કાર્યવાહી નિર્ધારિત ફોર્મેટમાં નોંધવામાં આવશે. તેમાં બેઠકની તારીખ, ઉપસ્થિત સભ્યો, ચર્ચાના મુખ્ય મુદ્દાઓ, લેવામાં આવેલા નિર્ણયો અને તેના અનુપાલનની સ્થિતિનો રેકોર્ડ રાખવામાં આવશે. બેઠકની કાર્યવાહી 7 દિવસની અંદર સંબંધિત સીડીપીઓને રજૂ કરવાની રહેશે. સીડીપીઓ દ્વારા વર્ષમાં ઓછામાં ઓછા બે વખત દરેક સમિતિની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે.
ગુજરાતમાં આંગણવાડી મૅનેજમેન્ટ કમિટીઓની રચના ભારત સરકારની માર્ગદર્શિકા અને મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0ની ભાવના અનુસાર આંગણવાડી સેવાઓમાં સમુદાયની ભૂમિકાને વધુ સંસ્થાગત બનાવનારું પગલું છે. જ્યાં એક તરફ સરકાર પોષણ, આરોગ્ય અને ઈસીસીઈ જેવી આવશ્યક સેવાઓની વ્યવસ્થા કરી રહી છે, ત્યાં બીજી તરફ એએમસી દ્વારા માતાઓ, આશા કાર્યકરો, શિક્ષિકાઓ, સ્વસહાય જૂથો અને સ્થાનિક સમુદાયને આ સેવાઓની ગુણવત્તા અને અસરકારકતા સાથે સીધા જોડવામાં આવી રહ્યા છે.
આ વ્યવસ્થાથી આંગણવાડી કેન્દ્રોમાં પોષણની ગુણવત્તા, બાળકોની વૃદ્ધિ અને વિકાસની દેખરેખ, પ્રારંભિક શિક્ષણ, સ્વચ્છતા, પાયાની સુવિધાઓ, લાભાર્થીઓનું કવરેજ, ફરિયાદ નિવારણ અને સામુદાયિક ભાગીદારી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોની નિયમિત સમીક્ષા શક્ય બનશે.
આ રીતે ‘મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0’ હેઠળ ગુજરાતની આંગણવાડી વ્યવસ્થાને વધુ સહભાગી, જવાબદાર અને બાળ-કેન્દ્રિત બનાવવાની દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ આધાર તૈયાર કરશે. સરકારની સેવાઓ સાથે સમુદાયની સક્રિય ભાગીદારી જોડાવાથી આંગણવાડી કેન્દ્રોને બાળકોના સ્વસ્થ વિકાસ, વધુ સારા પોષણ અને મજબૂત પ્રારંભિક શિક્ષણ માટે વધુ અસરકારક સ્થાનિક કેન્દ્ર તરીકે વિકસાવવાનો માર્ગ પ્રશસ્ત થશે.

