ગાંધીનગરમાં આજે ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક એટલે કે HTAT સંઘ દ્વારા પડતર માંગણીઓને લઈને એક દિવસીય વિશાળ ધરણા અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં મુખ્ય શિક્ષકો અને શિક્ષકો એકઠા થયા હતા અને સરકાર સમક્ષ વિવિધ પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી.

શિક્ષકોની મુખ્ય માંગણીઓમાં તમામ પ્રકારની બદલીની પ્રક્રિયા વાર્ષિક ધોરણે નિયમિત રીતે કરવાનો અમલ, તેમજ બઢતી મેળવીને નિમણૂક પામેલા HTAT મુખ્ય શિક્ષકોને એક વધારાનો ઇજાફો આપવાની માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત, 1 એપ્રિલ 2005 બાદ નિમણૂક પામેલા કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજના એટલે કે OPSમાં સમાવવાની માંગ કરવામાં આવી છે.
અનુદાનિત શાળાઓના શિક્ષકોની અગાઉની સેવાને હાલની સેવા સાથે સળંગ ગણવી, વર્ષ 2012થી 2019 દરમિયાન વેકેશનમાં કરવામાં આવેલી કામગીરીની હક રજાઓ જમા કરવી તેમજ 300થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં શાળા સહાયક અને ક્લાર્કની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.
પડતર પ્રશ્નોના નિરાકરણ માટે શિક્ષક સંઘ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. હવે સરકાર દ્વારા આ માંગણીઓ અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર શિક્ષક આલમની નજર રહેશે.

