કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલની અધ્યક્ષતામાં આજે નવસારી જિલ્લા પ્રશાસન સાથે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન નવસારી જિલ્લાની પંચાયતોના સર્વાંગી વિકાસ, વિવિધ વિકાસલક્ષી સૂચકાંકોમાં પ્રગતિ તેમજ ડેટા આધારિત આયોજન અને અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સના વિવિધ માપદંડોના આધારે પંચાયતોની કામગીરીનું મૂલ્યાંકન કરી વિકાસના ક્ષેત્રોમાં વધુ સુધારો લાવવા અંગે ચર્ચા કરવામાં આવી. સાથે જ ઉપલબ્ધ સરકારી આંકડાઓ અને ડેટાનો મહત્તમ ઉપયોગ કરીને પંચાયત સ્તરે જરૂરિયાત આધારિત વિકાસલક્ષી આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલે જિલ્લા પ્રશાસનને PAIના વિવિધ માપદંડોમાં વધુ સારું પ્રદર્શન સુનિશ્ચિત કરવા તેમજ પંચાયત સ્તરે ચાલી રહેલા વિકાસ કાર્યોને વધુ વેગ આપવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, “પંચાયતો સશક્ત બનશે તો ગ્રામ્ય વિકાસ વધુ મજબૂત બનશે. અમારો પ્રયાસ છે કે યોજનાઓ માત્ર કાગળ પર ન રહે, પરંતુ તે પરિણામલક્ષી બને અને વિકાસનો સીધો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે.”
બેઠકમાં વિકાસના વિવિધ માપદંડો પર પંચાયતોની કામગીરીમાં સુધારો લાવવા, ડેટાના આધારે ખામીઓ ઓળખી તેના ઉકેલ માટે આયોજન કરવા તથા સરકારની વિવિધ યોજનાઓનો અસરકારક લાભ ગ્રામ્ય વિસ્તારના નાગરિકો સુધી પહોંચાડવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
PAIના માધ્યમથી પંચાયતોના વિકાસનું ડેટા આધારિત મૂલ્યાંકન અને આયોજન થકી નવસારી જિલ્લામાં ગ્રામ્ય વિકાસને વધુ ગતિ આપવાના પ્રયાસોને વેગ મળશે.

