149મી ભગવાન જગન્નાથજી રથયાત્રાની તૈયારીઓને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાણાપીઠ ખાતે મેયર શ્રી હિતેશભાઈ બારોટની અધ્યક્ષતામાં શહેર એકતા સમિતિની બેઠક યોજાઈ*
રથયાત્રા શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા થઈ
J
Jatin Bhatt 
આગામી અષાઢી સુદ બીજ, તા. 16 જુલાઈ, 2026ના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાણાપીઠ ખાતે આજે શહેર એકતા સમિતિની બેઠક યોજાઈ હતી. અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પોલીસ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોના અધિકારીઓ, જગન્નાથ મંદિરના મહંતશ્રી, શહેર એકતા સમિતિના સભ્યો તથા વિવિધ સમાજોના આગેવાનોએ ઉપસ્થિત રહી રથયાત્રાના સફળ આયોજન માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.
આ બેઠક દરમિયાન રથયાત્રા દરમિયાન શહેરમાં શાંતિ, કોમી એકતા અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તેમજ યાત્રા નિર્વિઘ્ન અને સમયસર પૂર્ણ થાય તે માટે વિવિધ વિભાગો વચ્ચે વધુ અસરકારક સંકલન સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. શહેર એકતા સમિતિના સભ્યો દ્વારા આપવામાં આવેલા સૂચનો તેમજ કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવનારી કામગીરી અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરની આસ્થા અને એકતાનું પ્રતીક છે. શહેર એકતા સમિતિના સભ્યો તરફથી મળેલા સૂચનોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરી તમામ કામગીરી હાથ ધરવામાં આવશે. તેમણે જણાવ્યું કે પોલીસ વિભાગ અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે સંકલન કરીને રથયાત્રા સંપૂર્ણ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પસાર થાય તેમજ ભગવાન જગન્નાથજીનો રથ ઝડપથી અને નિર્વિઘ્નપણે નિજ મંદિર પહોંચે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે રથયાત્રા પૂર્વે વિવિધ વ્યવસ્થાઓનું સ્થળ પર નિરીક્ષણ પણ કરવામાં આવશે.
આ બેઠકમાં ગત વર્ષોના અનુભવોના આધારે વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને જગન્નાથ મંદિર ટ્રસ્ટ તરફથી પ્રાપ્ત સૂચનોને ધ્યાનમાં રાખીને રથયાત્રા વધુ સુવ્યવસ્થિત રીતે પસાર થાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત રથયાત્રા દરમિયાન હાથીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. હાથીઓ પસાર થાય ત્યારે ડીજે અથવા ઊંચા અવાજના સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં ન આવે તેમજ અનાવશ્યક ઘોંઘાટ ટાળવામાં આવે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવશે.
આ ઉપરાંત, રથ પરત ફરતી વખતે જમાલપુર વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેથી રથના કાફલાની અવરજવર નિર્વિઘ્નપણે થઈ શકે.એટલું જ નહીં, ગત વર્ષોના અનુભવને આધારે લાઇટિંગ સહિતની વિવિધ વ્યવસ્થાઓમાં જરૂરી સુધારાઓ કરવામાં આવ્યા છે.
આ બેઠકમાં જગન્નાથજી રથયાત્રાના સુચારૂ આયોજન માટે તમામ વિભાગો વચ્ચે સંકલન, 101થી વધુ ટ્રકો માટે સમયસર પાણીની વ્યવસ્થા, જર્જરિત મકાનો દૂર કરવા, સતત સફાઈ, ફાયર બ્રિગેડની તૈનાતી, સમગ્ર રૂટ પર CCTV કેમેરા કાર્યરત રાખવા, ખલાસીઓને આઈ-કાર્ડ આપવા તેમજ વૃક્ષોનું ટ્રિમિંગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ સાથે રથયાત્રાના રૂટ પર 730 વીજ થાંભલા, 560 ફ્લડ લાઇટ્સ, 11 અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય (UPS) તથા ટોરેન્ટ પાવરના 33 કર્મચારીઓ તૈનાત રાખવાની માહિતી આપવામાં આવી હતી. તેમજ કેચપિટ અને ગટરોની સફાઈ સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો, જ્યારે ગેલેરીઓમાં ગ્રીન કવર લગાવી બિનજરૂરી ભીડ અટકાવવા સૂચન કરવામાં આવ્યું હતું.
આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ અને અન્ય તમામ સંબંધિત એજન્સીઓ વચ્ચે સુમેળભર્યા સંકલન સાથે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા આ વર્ષે પણ શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે જરૂરી તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને બાકીની કામગીરી પણ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી રહી છે, એમ બેઠકમાં ચર્ચા થઇ હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાણાપીઠ ખાતે આયોજીત આ બેઠકમાં અમદાવાદના મેયરશ્રી હિતેશભાઈ બારોટ, ધારાસભ્યશ્રી કૌશિકભાઇ જૈન, ધારાસભ્યશ્રી પાયલબેન કુકરાણી, ડેપ્યુટી મેયર શ્રી અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી કમલેશભાઈ પટેલ, શાક્ષક પક્ષના નેતાશ્રી જશુભાઈ ઠાકોર, દંડકશ્રી અતુલભાઈ મિશ્રા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, અમદાવાદ પોલીસ કમિશ્રનરશ્રી અનુપમસિંહ ગેહલોત, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કાઈમબ્રાન્ચ, જગન્નાથ મંદિરના મહંતશ્રી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ, શહેર એકતા સમિતિના સભ્યો તથા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
