અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ (AIBF ૨૦૨૬) ના વિશિષ્ટ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે "વિકસિત ભારત ૨૦૪૭ માટે ઉચ્ચ શિક્ષણ અને નાગરિક સમન્વયનું પરિવર્તન" વિષય પર વાઇસ ચાન્સેલર રાઉન્ડટેબલ પરિસંવાદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ૨૪ ઓક્ટોબર ૨૦૨૬ (શનિવાર) ના રોજ બપોરે ૧૨:૦૦ થી ૧:૦૦ વાગ્યા દરમિયાન રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરના ડોમ – ૨ ખાતે આ વિશેષ પરિસંવાદ યોજાયો હતો.

આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઉચ્ચ અને તકનીકી શિક્ષણ વિભાગના અગ્રસચિવશ્રી મુકેશકુમાર સર (IAS), AMC મ્યુનિસિપલ કમિશ્નરશ્રી બંછાનિધિ પાની સર (IAS), ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ ઝા, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. ડૉ. જગદીશ જોશી સર, BAOU ના કુલપતિશ્રી પ્રો. ડૉ. અમી ઉપાધ્યાય, SPU ના કુલપતિશ્રી પ્રો. ડૉ. નિરંજન પટેલ, IITE ના ચાન્સેલરશ્રી પ્રો. ડૉ. મુકેશ પટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. ડૉ. ઉત્પલ જોશી, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. ડૉ. ટી. એસ. જોશી, સાબરમતી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. બી. એસ. પટેલ અને અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના કુલસચિવશ્રીઓ, કુલપતિશ્રીના પ્રતિનિધિશ્રીઓ, ગુજરાત યુનિવર્સિટીના વિવિધ અનુસ્નાતક ભવનોના અધ્યક્ષશ્રીઓ/વિભાગીય વડાશ્રીઓ તેમજ AMC ના ઉચ્ચ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ પણ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.

જાહેરાતAdvertisement

કાર્યક્રમના પ્રારંભે ઉચ્ચ અને તકનીકી શિક્ષણ વિભાગના અગ્રસચિવશ્રી મુકેશકુમાર સર (IAS) દ્વારા રાઉન્ડ ટેબલના વિષય સંદર્ભે પ્રાસંગિક ઉદ્બોધન કરી પ્રેરણાદાયી વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરશ્રી બંછાનિધિ પાની સર (IAS) દ્વારા AMC અને NBT ના ઉપક્રમે આયોજિત AIBF ૨૦૨૬ માં ગુજરાત યુનિવર્સિટીને નોલેજ પાર્ટનર બનવા તથા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સના આયોજનની લીડ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે AMC સાથે યુનિવર્સિટી સમન્વયથી કેવી રીતે કામ કરી શકે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ સાથે શહેરી વિકાસ ક્ષેત્રે કઈ રીતે આગળ વધી શકાય તે અંગે મહત્વના સૂચનો પણ રજૂ કર્યા હતા. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ ઝા દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વિવિધ હેતુઓના સફળ અમલીકરણ તથા પરસ્પર સમન્વયથી આગળ વધવા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. ડૉ. જગદીશ જોશીએ જણાવ્યું હતું કે, "ગુજરાત યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ના નિર્દેશો મુજબ શૈક્ષણિક અને વ્યવહારુ કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. આગામી સમયમાં માનનીય મ્યુનિસિપલ કમિશ્નરશ્રીના સૂચન મુજબ, NEP ના અસરકારક અમલીકરણ સાથે શહેરી વિકાસ, સંશોધન અને નાગરિક સેવાઓમાં શિક્ષણ જગત (Academia) અને સ્થાનિક સ્વરાજ્ય વચ્ચે મજબૂત સમન્વય સાધીને 'વિકસિત ભારત ૨૦૪૭' ના વિઝનને સાકાર કરવા રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ વિશેષ પહેલ કરવામાં આવશે."

આ રાઉન્ડટેબલ પરિસંવાદ દરમિયાન ક્ષેત્રના સુચારૂ વિકાસ માટે એક વ્યૂહાત્મક સંકલ્પ (Strategic Blueprint) તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ના ઝડપી અમલીકરણ ભાગરૂપે વિદ્યાર્થીઓને વ્યવહારિક અનુભવ પૂરો પાડવા મલ્ટીડિસિપ્લિનરી કોર્સ, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ (ABC), ફ્લેક્સિબલ એન્ટ્રી-એક્ઝિટ, ભારતીય જ્ઞાન પરંપરા (IKS) અને સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સને યુનિવર્સિટી લેવલે સઘન બનાવવાનો નિર્ણય લેવાયો હતો. બીજા મહત્વના નિર્ણય મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને યુનિવર્સિટીઓ વચ્ચે શહેરી વિકાસ, સ્માર્ટ સીટી પ્રોજેક્ટ્સ, ઓપન ડેટા ઇનિશિયેટિવ, ક્લાઇમેટ રિઝિલિયન્સ અને વિદ્યાર્થીઓ માટે વિશેષ સિવિક ઇન્ટર્નશિપ/ફેલોશિપની તકો પૂરી પાડવા AMC અને એકેડેમિયા પાર્ટનરશિપ (Urban-Academic Synergy) મજબૂત બનાવવામાં આવશે. તદુપરાંત, વિકસિત ભારત ૨૦૪૭ ના લક્ષ્યાંક સાથે અમદાવાદને એક ગ્લોબલ નોલેજ અને કલ્ચરલ કેપિટલ તરીકે સ્થાપિત કરવા અને શિક્ષણ ક્ષેત્રે નવીનતમ રિસર્ચ-ઇનોવેશન ક્લસ્ટર તૈયાર કરવા માટે સંયુક્ત રોડમેપ તૈયાર કરી તેનું અધિકૃત 'વ્હાઇટ પેપર' (White Paper) પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.

સમગ્ર સફળ કાર્યક્રમનું સમાપન આભાર વિધિ, સમૂહચિત્ર (Group Photo) અને ભોજન સમારંભ સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં થયું હતું