અમદાવાદમાં ચોમાસાની ઋતુ દરમિયાન મુસાફરોને સુરક્ષિત, સ્વચ્છ અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત AMTS અને BRTSની તમામ બસોમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન વધારાની તકેદારીના ભાગરૂપે શહેરના તમામ ડેપો ખાતે દરરોજ બસોનું ડીપ ક્લીનિંગ કરવામાં આવી રહ્યું છે. દરરોજ દિવસભરની સેવા પૂર્ણ કરીને બસો ડેપો પર પરત ફર્યા બાદ તમામ બસોની સંપૂર્ણ સફાઈ અને ડીપ ક્લીનિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત, બીજા દિવસે બસો રૂટ પર રવાના થાય તે પહેલાં દરેક બસની સ્વચ્છતા, સેનેટેશન અને જરૂરી હાઈજીન સંબંધિત બાબતોની સઘન ચકાસણી કરવામાં આવે છે, જેથી મુસાફરોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણમાં મુસાફરીની સુવિધા મળી રહે. અમદાવાદ જનમાર્ગ લિમિટેડ માટે સ્વચ્છતા માત્ર નિયમિત પ્રક્રિયા નહીં પરંતુ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ચોમાસાની ઋતુમાં સંક્રમણજન્ય રોગોના જોખમને ધ્યાનમાં રાખીને AMTS અને BRTSની બસોમાં સ્વચ્છતા જાળવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુસાફરોને સુરક્ષિત, આરામદાયક અને આનંદદાયક મુસાફરી ઉપલબ્ધ કરાવવાના પોતાના સંકલ્પને સતત સાકાર કરી રહ્યું છે અને જાહેર પરિવહન સેવાઓને વધુ ગુણવત્તાસભર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.