અરવલ્લી જિલ્લાને દિવાળીના પર્વ નિમિત્તે રાજ્ય સરકાર તરફથી વિકાસની ભેટ મળી છે. વર્ષોથી પડતર શામળાજી ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર-1ની પ્રિલિમિનરી સ્કીમને તા. 5 નવેમ્બર, 2026ના રોજ રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતાં શામળાજીના સર્વાંગી વિકાસનો માર્ગ મોકળો થયો છે.

જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપના ના સતત પ્રયાસો તેમજ સાંસદ, ધારાસભ્ય અને સ્થાનિક પદાધિકારીઓના સહયોગથી આ મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ યોજનાના અમલીકરણથી શામળાજીમાં અંદાજે રૂ. 200 કરોડના સરકારી રોકાણ દ્વારા વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે.ટાઉન પ્લાનિંગ સ્કીમના કારણે શામળાજીમાં માળખાકીય સુવિધાઓનો વિકાસ, રસ્તાઓ, નગર આયોજન, પ્રવાસનને લગતી સુવિધાઓ સહિતના વિવિધ ક્ષેત્રોમાં નવી તકો ઊભી થશે. ખાસ કરીને પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને વધુ સુવિધાજનક વાતાવરણ મળી રહેશે.આ વિકાસકાર્યોને પગલે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થવાની સાથે વેપાર-ધંધાને પણ વેગ મળવાની અપેક્ષા છે. શામળાજીને સુવ્યવસ્થિત અને આધુનિક પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં આ મંજૂરી મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.