ભિલોડા એસ.ટી. બસસ્ટેન્ડ ખાતે સીસીટીવી કેમેરા ન હોવાથી મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે.

ભિલોડા એસ.ટી. બસસ્ટેન્ડ ખાતે આજદિન સુધી પૂરતી સંખ્યામાં સીસીટીવી કેમેરાની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી મુસાફરો, વેપારીઓ અને સ્થાનિક નાગરિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બસસ્ટેન્ડ પર મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહેતી હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ સીસીટીવી કેમેરા અત્યંત જરૂરી બન્યા છે.બસસ્ટેન્ડ વિસ્તારમાં ખિસ્સાકાતરુઓ, અસામાજિક તત્વો તેમજ અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા અસરકારક સાબિત થઈ શકે છે. જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાડવામાં આવે તો ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવામાં મદદ મળે છે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની તપાસમાં પણ સરળતા રહે છે.આ મુદ્દે સ્થાનિક લોકો દ્વારા ભિલોડાના ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને બસસ્ટેન્ડ ખાતે આધુનિક સીસીટીવી કેમેરા સિસ્ટમ તાત્કાલિક ધોરણે સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે.સ્થાનિક નાગરિકોનું માનવું છે કે બસસ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે સીસીટીવી કેમેરા અનિવાર્ય છે. તેથી સંબંધિત તંત્ર દ્વારા વહેલી તકે જરૂરી કાર્યવાહી કરી મુસાફરો અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.આ અંગે ડેપોમેનેજર ડી.એમ સુથારનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરા અંગે હોમ ડિપાર્ટમેન્ટ એસોપી નક્કી કરેલ છે જે પ્રમાણે ગાઈડલાઈન આપે તે પ્રમાણે ટેન્ડર અને સીસીટીવી નક્કી કરાશે.