ભિલોડા ગ્રામ પંચાયત દ્વારા તમામ નાગરિકો તથા પ્લોટ ધારકોને મિલકત વેરો અને પ્લોટ વેરો સમયસર ભરવા માટે મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કૃપાબેન પટેલે જણાવ્યું છે કે, જેમણે ભિલોડા વિસ્તારમાં રોકાણ તરીકે પ્લોટ ખરીદ્યા છે પરંતુ હજુ સુધી મૂળ માલિકના નામેથી પોતાના નામે ટ્રાન્સફર કરાવ્યા નથી, તેમણે તાત્કાલિક વેરાની ચુકવણી કરવી જરૂરી છે.

તેમણે જણાવ્યું કે અનેક કિસ્સાઓમાં પ્લોટની ખરીદી થયા બાદ પણ માલિકીના દસ્તાવેજોમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. પરિણામે પ્લોટ વેરાની બિલિંગ હજુ પણ મૂળ માલિકોના નામે જ થાય છે. મૂળ માલિકો દ્વારા વેરો ભરવામાં આવતો નથી અને ગ્રામ પંચાયત દ્વારા વારંવાર માંગણી નોટિસ આપવામાં છતાં પણ યોગ્ય પ્રતિસાદ મળતો નથી.

જાહેરાતAdvertisement

આ ઉપરાંત ચાલુ વર્ષ દરમિયાન મિલકત વેરાની વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાથી તમામ નાગરિકોને પણ પોતાના મકાન, દુકાન તથા અન્ય મિલકતોનો બાકી રહેલો વેરો સત્વરે ભિલોડા ગ્રામ પંચાયતમાં જમા કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ભિલોડા ગ્રામ પંચાયતે તમામ સંબંધિત નાગરિકોને અપીલ કરી છે કે વિકાસલક્ષી કાર્યોને ગતિ આપવા અને પંચાયતની આવક મજબૂત બનાવવા માટે સમયસર વેરાની ચુકવણી કરી જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવે તેવું જણાવ્યું હતું.

ગ્રામ પંચાયત દ્વારા જાહેર નોટિસ પાઠવી નાગરિકોનો બાકી વેરો ભરવા તાકીદ કરવામાં આવ્યા છે જો મુદત વીત્યે બાકી લેણાં ભરપાઈ નહીં કરનાર સામે નાછૂટકે દંડ, મિલકત પર બોજો, સીલીંગ, જપ્તી, હરાજી તેમજ પાણી કનેકશન કાપવા સહિતની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ઉપરાંત, ગામની હદમાં વ્યવસાય કે વેપાર કરતા તમામ વેપારીઓએ વ્યવસાય વેરાની નોંધણી તાત્કાલિક કરાવી લેવી, અન્યથા નિયમાનુસાર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કૃપાબેન પટેલે જણાવ્યું હતું.

કૌશિક સોની અરવલ્લી