ભિલોડા ગ્રામ પંચાયતની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગ્રામ પંચાયતની નવી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીને લઈને વિવાદ ઊભો થયો છે. વોર્ડ નંબર ૧થી ૧૮ની મતદાર યાદીમાં નામ, સરનામાં અને વોર્ડની વિગતોમાં વ્યાપક ક્ષતિઓ તથા વિસંગતતાઓ હોવાના આક્ષેપ સાથે જાગૃત ગ્રામજનોએ ચૂંટણી અધિકારી સમક્ષ લેખિત વાંધા અરજી રજૂ કરી છે.
ભિલોડા મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર અનિરૂદ્ધસિંહ રહેવરને આવેદનપત્ર પાઠવી જાગૃત મતદારોએ મતદાર યાદીમાં તાત્કાલિક સુધારા કરવાની માંગ કરી હતી. આ રજૂઆતમાં સામાજિક આગેવાનો અને જાગૃત મતદારો જગદીશભાઈ પટેલ, રાજેશભાઈ પંડયા, નારાયણભાઈ ચૌધરી, અશ્વિનભાઈ ઠાકોર, કલ્પેશભાઈ ચૌહાણ, મુકેશભાઈ પંચાલ, કંદર્પભાઈ પટેલ, ચેતનસિંહ કચ્છાવા સહિતના ગ્રામજનો જોડાયા હતા.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, તાજેતરમાં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી વર્ષ-૨૦૨૧ની યાદી અને તે સમયના વોર્ડ સીમાંકન મુજબ તૈયાર કરવામાં આવી છે કે કેમ તે અંગે પ્રશ્નો ઊભા થયા છે. યાદીની ચકાસણી દરમિયાન અનેક મતદારોનાં નામ, સરનામાં તથા વોર્ડની વિગતોમાં ભૂલો જોવા મળી છે. કેટલાક મતદારોનાં નામ એક વોર્ડને બદલે અન્ય વોર્ડમાં દર્શાવાયાં હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.
જાગૃત મતદારોએ વોર્ડ નંબર ૧થી ૧૮ની સમગ્ર મતદાર યાદીની પુનઃચકાસણી કરી વર્ષ-૨૦૨૧ના વોર્ડ સીમાંકનને આધારે તમામ વાંધાઓની તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. ચૂંટણી પંચના નિયમો અનુસાર જરૂરી સુધારા-વધારા કરી સુધારેલી મતદાર યાદી ફરીથી પ્રસિદ્ધ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીમાં કોઈપણ નાગરિક પોતાના મતાધિકારથી વંચિત ન રહે અને મતદાન પ્રક્રિયા પારદર્શક રીતે યોજાય તે માટે વહીવટીતંત્ર આ રજૂઆતને ગંભીરતાથી લઈ સમયસર યોગ્ય નિર્ણય લે તેવી જાગૃત ગ્રામજનોએ આશા વ્યક્ત કરી છે.
કૌશિક સોની અરવલ્લી

