ભિલોડા શાક માર્કેટ ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય માં ભિલોડા મંડલ ભાજપની અગત્યની સંગઠનાત્મક બેઠક રાજ્યકક્ષાના મંત્રી પી.સી.બરંડા તથા અરવલ્લી જિલ્લા સંગઠન મહામંત્રી અને ભિલોડા વિધાનસભા ઝોન પ્રભારી દીપકભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.બેઠકમાં પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકર્તાઓની જવાબદારીઓ, આગામી કાર્યક્રમોના આયોજન અને અમલીકરણ સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કાર્યકર્તાઓને સરલ એપ અને 'મન કી બાત' કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપી સરલ એપના ઉપયોગ, તેની કામગીરી તેમજ શું કરવું અને શું ન કરવું તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આગેવાનોએ કાર્યકર્તાઓને જનસંપર્ક વધારવા, જનસેવાના કાર્યોમાં સક્રિય ભાગીદારી નોંધાવવા અને પક્ષની વિચારધારા લોકો સુધી પહોંચાડવા માર્ગદર્શન આપ્યું હતું. સંગઠનના દરેક સ્તરે સંકલન, એકતા અને જવાબદારી પૂર્વક કામગીરી કરવા ભાર મૂકાયો હતો.આ બેઠકમાં પ્રદેશ અને જિલ્લા કક્ષાના હોદ્દેદારો, જિલ્લા મોરચાના હોદ્દેદારો, જિલ્લા તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, ભિલોડા મંડલના હોદ્દેદારો, શક્તિકેન્દ્રના સંયોજકો, સહકારી ક્ષેત્રના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે આગામી સંગઠનાત્મક કાર્યક્રમોને સફળ બનાવવા સૌએ સાથે મળીને કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

