ભિલોડા મિત્ર મંડળ દ્વારા નૂતન વર્ષના પાવન અવસરે સ્નેહમિલન સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભિલોડા તાલુકાના સમસ્ત શ્રીમાળી સોની સમાજના સભ્યો પરિવારજનો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમાજ ના વડીલ જયંતિભાઈ સોની અને પ્રવિણચંદ્ર સોની દ્વારા સૌને નૂતન વર્ષના આશીર્વાદ પાઠવ્યા હતા.
નૂતન વર્ષના આ સ્નેહમિલન સમારંભમાં સમાજના લોકોએ એકબીજાને મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને વડીલોના આશીર્વાદ મેળવી નૂતન વર્ષની શરૂઆત કરી હતી. વર્ષ દરમિયાન વ્યસ્ત જીવનશૈલીને કારણે એકબીજાને મળવાનું ઓછું થતું હોય છે ત્યારે આવા સ્નેહમિલન કાર્યક્રમો સમાજના સભ્યોને એક મંચ પર લાવી પરસ્પર પ્રેમ, લાગણી અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

સમારંભ દરમિયાન સૌએ હળવાશભર્યા વાતાવરણમાં એકબીજાની સાથે આનંદની પળો માણી હતી. પરિવારજનો અને સમાજના સભ્યોની ઉપસ્થિતિથી સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યો અને યાદગાર બન્યો હતો.
ભિલોડા મિત્ર મંડળ દ્વારા આયોજિત આ સ્નેહમિલન સમારંભે સમાજમાં એકતા, સંગઠન અને સામાજિક સૌહાર્દનો સુંદર સંદેશ આપ્યો હતો.

