અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ હતી. અરવલ્લી જિલ્લા રજિસ્ટ્રારની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ચૂંટણીમાં બંને પદ માટે ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવતાં ભાજપ સંગઠનમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.lચેરમેન પદ માટે હિતેન્દ્રસિંહ સિસોદિયાના નામનું મેન્ડેટ આવતાં તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સામે અન્ય કોઈ ઉમેદવાર મેદાનમાં ન હોવાથી તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. હિતેન્દ્રસિંહ સિસોદિયા વર્ષ ૨૦૦૮થી સતત ભિલોડા એપીએમસીના ચેરમેન પદે કાર્યરત છે. ફરી એકવાર ચેરમેન તરીકે તેમની પસંદગી થતાં એપીએમસીના નેતૃત્વની જવાબદારી તેમના શિરે યથાવત્ રહી છે.

તેવી જ રીતે વાઇસ ચેરમેન પદ માટે દિલીપ કટારાના નામનું મેન્ડેટ આવતાં તેમણે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પદ માટે પણ અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી દિલીપ કટારા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.આ પ્રસંગે સમર્થકોએ બંનેને શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી સમયમાં ભિલોડા એપીએમસીના માધ્યમથી ખેડૂતોના હિતમાં કામગીરી આગળ વધે તેવી આશા વ્યક્ત કરી હતી.આમ, ભિલોડા એપીએમસીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી સાથે નવી ટર્મ માટેનું નેતૃત્વ નક્કી થયું છે.