અરવલ્લી જિલ્લાના ભિલોડા ગામમાં ખાળકૂવા વારંવાર ભરાઈ જતાં ગંદા પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે ખાળકૂવા ખાલી કરાવવા ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે આદિવાસી જનરલ પંચ દ્વારા ભિલોડા ગ્રામ પંચાયત સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભિલોડા ગામની વસ્તી આશરે 15 હજારથી વધુ છે. જોકે, ગામમાં હજુ સુધી ભૂગર્ભ ગટર વ્યવસ્થા ન હોવાથી ગ્રામજનો ઘરોમાં ખાળકૂવા બનાવી ગંદા પાણીનો નિકાલ કરી રહ્યા છે.

જાહેરાતAdvertisement

પરંતુ ખાળકૂવા વારંવાર ભરાઈ જતાં ગંદું પાણી રસ્તાઓ પર ફેલાય છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાવાની સાથે રોગચાળો ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આદિવાસી જનરલ પંચના પૂર્વ મહામંત્રી બી.એમ. ખાણમા દ્વારા ગ્રામ પંચાયતના સરપંચને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં ખાળકૂવા ખાલી કરાવવા માટે ટેન્કરની સુવિધા ઉપલબ્ધ કરાવવા અને આ માટે જરૂરી ગ્રાન્ટ ફાળવવાની માંગ કરવામાં આવી છે.

હવે ગ્રામ પંચાયત દ્વારા આ રજૂઆતને ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી કરવામાં આવે અને ભિલોડાના રહીશોને ગંદા પાણીની સમસ્યામાંથી રાહત મળે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.