જીસીઈઆરટી, ગાંધીનગરની પ્રેરણાથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, મોડાસા, જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી, અરવલ્લી તથા મેશ્વો શાળા વિકાસ સંકુલ, ભિલોડા- શામળાજીના સંયુક્ત ઉપક્રમે ભિલોડાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે નોડલ કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા, ગણિતીય સમજણ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો છે.

પ્રદર્શનના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ઉષાબેન ગામીત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રાચાર્યા રોજલીન સુવેરા, નોડલ અધિકારી સીતાબેન ખરાડી ,શાળાના સંચાલક ફાધર મોઇસન, આચાર્ય ફાધર નિક્સન, આચાર્ય સંઘના ઉપપ્રમુખ એન.ડી. પટેલ , હર્ષદભાઈ વરસાત, વહીવટી સંઘના પ્રમુખ કૌશિકભાઈ સોની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

જાહેરાતAdvertisement

આ ઉપરાંત પ્રદર્શનના નોડલ કન્વીનર ડી.બી. ડાભી, એલ.બી. સુથાર તેમજ શિક્ષણ વિભાગના વિવિધ સંવર્ગના હોદ્દેદારો અને પ્રતિનિધિઓએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ જેવા વિષયોને પ્રયોગો, નમૂનાઓ અને સર્જનાત્મક રજૂઆતો દ્વારા સરળતાથી સમજાવી શકાય તેવા હેતુથી આવા પ્રદર્શનોનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા, નવીન વિચારોને પ્રોત્સાહન આપવા અને અભ્યાસને પ્રયોગલક્ષી બનાવવા માટે આ પ્રકારનાં શૈક્ષણિક આયોજન મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે.

શિક્ષણક્ષેત્રે ગુણવત્તા વધારવા અને વિદ્યાર્થીઓમાં સંશોધનવૃત્તિ વિકસાવવા માટે આયોજિત આ પ્રદર્શનમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળાના સંચાલકો અને વિવિધ સંવર્ગના હોદ્દેદારોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહત્ત્વ આપ્યું હતું.