અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના દહેગામડા અને લુસડિયા ગામના ઈસરી પંચાલ સમાજની શિક્ષણ સમિતિ દ્વારા ભવ્ય સ્નેહમિલન સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને ગામના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સાતમા મિલન મહોત્સવમાં સમાજના આગેવાનો, મહાનુભાવો, શિક્ષકો, યુવાનો, વડીલો અને મોટી સંખ્યામાં સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દહેગામડાના વતની તથા ભાજપ બક્ષીપંચ મોરચાના અરવલ્લી જિલ્લા મહામંત્રી અને વિશ્વકર્મા પંચાલ સેવા સંઘ, શામળાજીના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ પંચાલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો.સમારોહમાં સમાજના આજીવન દાનવીરો, નિવૃત્ત શિક્ષકો તેમજ ૭૫ વર્ષ પૂર્ણ કરનાર અમૃતવર્ષના વડીલોનું શાલ અને પુષ્પહારથી સન્માન કરાયું હતું. બાળકો દ્વારા સ્વાગત ગીત, ગણેશ વંદના, નૃત્ય સહિત ના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા.નવી નોકરી મેળવનાર યુવાનો અને વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાઓનું સન્માન કરાયું હતું. ધોરણ ૬થી ઉચ્ચ અભ્યાસમાં સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા.સમાજના પ્રમુખ શિયુભાઈ પંચાલે બાળકોની શૈક્ષણિક પ્રગતિ અંગે વાત કરી હતી. શિક્ષણ સમિતિના પ્રમુખ પ્રવીણભાઈ પંચાલે શૈક્ષણિક પ્રવૃત્તિઓની માહિતી આપી હતી, જ્યારે મંત્રી નટવરભાઈ પંચાલે આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
દહેગામડા અને લુસડિયા ગામના પંચાલ સમાજનો સ્નેહમિલન
આજીવન દાનવીરો, નિવૃત્ત શિક્ષકો અને વડીલોનું સન્માન કરાયું તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા
ક
કૌશિક સોની,અરવલ્લી
