અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ધંધાસણ ગામે ધી ધંધાસણ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ દ્વારા નિર્મિત અતિઆધુનિક 'શ્રી સરસ્વતી રીડિંગ લાઇબ્રેરી'નું લાભ પાંચમના પાવન દિવસે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાબરડેરીના ડિરેક્ટર જયંતિભાઈ કે. પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી હસમુખભાઈ બી. પ્રજાપતિના હસ્તે લાઇબ્રેરી વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.

આધુનિક સુવિધાઓથી સજ્જ આ લાઇબ્રેરીમાં એસી, વાઈ-ફાઈ, આરામદાયક બેઠક વ્યવસ્થા તેમજ સુરક્ષા માટે સીસીટીવી કેમેરાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગ્રામીણ અને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને શાંત અને સાનુકૂળ વાતાવરણમાં અભ્યાસ કરવાની તક મળે તેવા ઉમદા હેતુથી આ પહેલ કરવામાં આવી છે.ઉદ્ઘાટન પ્રસંગે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ સોની, ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખ હસમુખભાઈ ડામોર, શામળાજી ના સુપરવાઈઝર કનુભાઈ પટેલ, દૂધ મંડળીના ચેરમેન, વ્યવસ્થાપક કમિટીના સભ્યો, સેક્રેટરી કચરાભાઈ પંચાલ, સ્થાનિક શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.દૂધ ઉત્પાદક સહકારી મંડળીની આ શૈક્ષણિક અને સેવાકીય પહેલથી ગામ સહિત આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને અભ્યાસમાં વિશેષ લાભ મળશે. આ પ્રકલ્પને સમગ્ર પંથકમાં આવકાર મળી રહ્યો છે.