દિવાળીના તહેવારોની ઉજવણી વચ્ચે સાયબર ગઠિયાઓ ફરી સક્રિય બન્યા છે. ઓનલાઈન રિચાર્જ, આકર્ષક ઓફરો અને વિવિધ લોભામણી સ્કીમની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ભિલોડા તાલુકાના મઉ ગામના વતની અને મુંબઈ ખાતે દરજીકામનો વ્યવસાય કરતા આધેડ સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. અજાણ્યા શખ્સે તેમનો મોબાઈલ ફોન હેક કરી બેંક ખાતામાંથી રૂ. 53,796ની રકમ ઓનલાઈન ઉપાડી લેતાં ભિલોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભિલોડા તાલુકાના મઉ ગામના વતની દીપકકુમાર મૂલચંદભાઈ દરજી મુંબઈ ખાતે રહી દરજીકામનો વ્યવસાય કરે છે. તેઓ દિવાળીના તહેવાર નિમિત્તે પોતાના વતન મઉ ગામે આવ્યા હતા. આ દરમિયાન અજાણ્યા ભેજાબાજ શખ્સે તેમને મોબાઈલ રિચાર્જ કરાવવાનું કહી રૂ. 999ના રિચાર્જની જગ્યાએ દિવાળી સ્પેશ્યલ સ્કીમ હેઠળ માત્ર રૂ. 298માં રિચાર્જ કરી આપવાની લાલચ આપી હતી. એટલું જ નહીં, ચોખા, ખાંડ અને તેલની આકર્ષક સ્કીમ હોવાનું જણાવી વિશ્વાસમાં લીધા બાદ ઓનલાઈન પ્રક્રિયાના બહાને OTP મેળવી લીધો હતો.આ રીતે અજાણ્યા શખ્સે તેમનો મોબાઈલ ફોન હેક કરી મુંબઈની ICICI બેંકના ખાતા નંબર 120401501439માંથી રૂ. 53,796ની રકમ ઓનલાઈન ઉપાડી લઈ છેતરપિંડી આચરી હતી. બેંક ખાતામાંથી નાણાં ઉપડી ગયાની જાણ થતાં દીપકકુમાર દરજીએ તાત્કાલિક ગાંધીનગર સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ભિલોડા પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.દિવાળીના તહેવારોમાં આવી લોભામણી ઓફરોથી સાવચેત રહેવા, અજાણ્યા વ્યક્તિને OTP ન આપવા અને કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવા સાયબર સુરક્ષા અંગે જાગૃતિ જરૂરી બની છે.