અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કેટલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNCD) દ્વારા આજે, 27 ઓક્ટોબર 2026ના રોજ એશિયા સ્કૂલ (ASIA School) ખાતે રેબીઝ નિવારણ અને જાગૃતિ (Rabies Prevention IEC Activity) અંગે એક વિશેષ શૈક્ષણિક કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાના બાળકોમાં રેબીઝ જેવા જીવલેણ રોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને પ્રાણીઓ પ્રત્યે વધુ સંવેદનશીલ અને સજાગ બનાવવાનો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ (GSLSA) ના તજજ્ઞોનું પણ માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન CNCD વિભાગના વેટેરનરી ઓફિસર ડૉ. રાજેશ જાદવે વિદ્યાર્થીઓને શ્વાનના વર્તન (Dog Behaviour), શ્વાન કરડવાથી થતા જોખમો અને તેનાથી બચવાના ઉપાયો અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે સમજાવ્યું હતું કે રેબીઝ એ મનુષ્ય અને પ્રાણીઓમાં થતો અત્યંત ગંભીર રોગ છે, પરંતુ સમયસરની સાવચેતી અને યોગ્ય તબીબી સારવારથી તેને સંપૂર્ણપણે અટકાવી શકાય છે. શ્વાન, બિલાડી કે વાંદરા જેવા સંક્રમિત પ્રાણીના કરડવાથી આ રોગ ફેલાય છે, પરંતુ આ રોગ એક મનુષ્યમાંથી બીજા મનુષ્યમાં ફેલાતો નથી.

પ્રાણી કરડે ત્યારે લેવાના તાત્કાલિક પગલાં અંગે ભાર મૂકતાં ડૉ. જાદવે જણાવ્યું હતું કે ઘાને તરત જ સાબુ અને વહેતા પાણીથી ઓછામાં ઓછી 15 મિનિટ સુધી ધોઈને એન્ટિસેપ્ટિક લગાવવું જોઈએ. ઘા પર મરચું, હળદર કે તેલ જેવી ઘરેલુ વસ્તુઓ ન લગાવવી અને વિલંબ કર્યા વગર તબીબની સલાહ મુજબ રેબીઝ વિરોધી રસીનો સંપૂર્ણ કોર્સ પૂરો કરવો અનિવાર્ય છે. ગંભીર ઘાના કિસ્સામાં પહેલા જ દિવસે 'રેબીઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન' (RIG) લેવું જરૂરી બને છે. આ ઉપરાંત શેરીના કૂતરાઓને હેરાન ન કરવા, તે ખાતા હોય કે ગલુડિયાં સાથે હોય ત્યારે નજીક ન જવું અને કૂતરૂં સામે આવે તો ભાગવાને બદલે શાંતિથી પાછળ ખસવા જેવી સાવચેતીઓ દર્શાવવામાં આવી હતી.
આ પ્રસંગે આયોજિત સંવાદ સત્ર (Interactive Session) માં શાળાના વિદ્યાર્થીઓએ શ્વાનના સ્વભાવ, રખડતા શ્વાનથી બચવાના ઉપાયો અને રસીકરણ અંગે ઉત્સાહપૂર્વક વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, જેના ડૉ. રાજેશ જાદવ તેમજ GSLSA ના પ્રતિનિધિઓએ સરળ અને સ્પષ્ટ જવાબો આપ્યા હતા. AMC દ્વારા જણાવાયું હતું કે શેરીના કૂતરાઓના ખસીકરણ અને રસીકરણ માટે નાગરિકો AMC CNCD હેલ્પલાઈન નંબર 155303 પર સંપર્ક કરી શકે છે. શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ આ અત્યંત ઉપયોગી માર્ગદર્શન બદલ AMC CNCD ટીમ અને GSLSA ના તજજ્ઞોનો આભાર વ્યક્ત કર્યો હતો.

