તા. ૧૮ થી ૨૪ નવેમ્બર દરમિયાન ઉજવાઈ રહેલા એન્ટિમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) જાગૃતિ સપ્તાહના ભાગરૂપે, GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ, ગાંધીનગરના માઈક્રોબાયોલોજી વિભાગ દ્વારા પોસ્ટર નિર્માણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મેડિકલ વિદ્યાર્થીઓ, રેસિડેન્ટ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સહિત ૫૦થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભર ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન એન્ટિમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR), હેન્ડ હાઈજીન, ઈન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ (IPC), એન્ટિબાયોટિક સ્ટીવર્ડશિપ તથા સંબંધિત વિષયો પર સ્થળ પર જ પોસ્ટરો તૈયાર કરવામાં આવ્યા હતા. સ્પર્ધકોએ પોતાની સર્જનાત્મકતા અને જાગૃતિસભર સંદેશાઓ દ્વારા એન્ટિબાયોટિકના યોગ્ય ઉપયોગ તથા ચેપના નિયંત્રણનું મહત્ત્વ રજૂ કર્યું હતું.

આ પ્રસંગે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટશ્રીએ પણ કાર્યક્રમના સ્થળની મુલાકાત લીધી હતી અને સ્પર્ધકોને પ્રોત્સાહિત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. તૈયાર થયેલા પોસ્ટરોનું મૂલ્યાંકન નિષ્ણાત નિર્ણાયકોની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને તેમના ઉત્સાહને બિરદાવવા પ્રોત્સાહન રૂપે આશ્વાસન ઈનામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એન્ટિમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ એન્ટિબાયોટિકનો જવાબદારીપૂર્વક ઉપયોગ અને ચેપ નિવારણના મહત્ત્વને પ્રોત્સાહન આપવાનો હતો. વિદ્યાર્થીઓ, રેસિડેન્ટ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની ઉત્સાહભેર ભાગીદારીએ AMR સામેની સામૂહિક જવાબદારીનો સુંદર સંદેશ આપ્યો હતો.