સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને યાત્રાધામ અંબાજી ખાતે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા, સુવ્યવસ્થિત દર્શન વ્યવસ્થા તેમજ ભીડના અસરકારક સંચાલનને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM), ગાંધીનગર દ્વારા આજ રોજ અંબાજી મંદિરના મિટિંગ હોલ ખાતે ક્રાઉડ મેનેજમેન્ટ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,

આ તાલીમ શિબિરમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગાંધીનગરના અધિકારીઓ , GISF ના જવાનો,સુરક્ષા જવાનો તેમજ મંદિરની સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા વિવિધ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,

જાહેરાતAdvertisement

તાલીમ દરમિયાન યાત્રાધામમાં શ્રદ્ધાળુઓની વધતી અવરજવર, ભીડનું સુચારુ નિયંત્રણ, દર્શનાર્થીઓની સલામતી, આકસ્મિક પરિસ્થિતિઓમાં તાત્કાલિક પ્રતિસાદ, આપત્તિ સમયે અસરકારક વ્યવસ્થાપન તેમજ વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જાળવવા સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,

વિશેષ કરીને તહેવારો, પૂનમ, રજાના દિવસો અને વિશેષ ધાર્મિક પ્રસંગોએ અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ઉમટતા માઈભક્તોને સુરક્ષિત, સુગમ અને વ્યવસ્થિત રીતે દર્શનનો લાભ મળી રહે તે માટે ભીડ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા સુરક્ષા જવાનો અને કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવાના હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું,

આ પ્રકારની તાલીમ દ્વારા મંદિરની સુરક્ષા વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવાની સાથે આપત્તિજનક પરિસ્થિતિઓમાં ઝડપી અને સંકલિત કામગીરી સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થઈ શકાશે,

યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા, સુવિધા અને સુવ્યવસ્થિત દર્શન વ્યવસ્થાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવાના અભિગમ સાથે આ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.