IRCTC પશ્ચિમ ઝોન, અમદાવાદના રીજનલ મેનેજરના માર્ગદર્શન હેઠળ ભારતીય રેલવે અને IRCTC દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘દેખો અપના દેશ’ અંતર્ગત ભારત ગૌરવ પર્યટક ટ્રેન મારફતે પંચ મહાતીર્થ દર્શન યાત્રા – જગન્નાથ પુરી, કામાખ્યા, ગયા, વારાણસી અને અયોધ્યા માટે રાજકોટે રવાના કરવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતાં IRCTC પશ્ચિમ ક્ષેત્ર અમદાવાદના પ્રવક્તા જિતેન્દ્ર કુમાર જયંતે જણાવ્યું કે, આ 13 દિવસીય આધ્યાત્મિક યાત્રા 29 ઓગસ્ટ 2026થી ભારત ગૌરવ પર્યટક ટ્રેન અંતર્ગત ગુજરાત અને મધ્યપ્રદેશથી ભારતના પવિત્ર તીર્થસ્થળોની યાત્રા કરાવ્યા બાદ 10 સપ્ટેમ્બર 2026ના રોજ પૂર્ણ થશે.

જાહેરાતAdvertisement

આ યાત્રા અંતર્ગત ઓડિશામાં જગન્નાથ પુરી, કોણાર્ક અને લિંગરાજ મંદિર, ગુવાહાટીમાં કામાખ્યા મંદિર અને નવગ્રહ મંદિર, ગયા/બોધગયામાં વિષ્ણુપદ મંદિર, મા સર્વમંગલા ગૌરી મંદિર અને મહાબોધિ મંદિર, વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર, અન્નપૂર્ણા મંદિર અને ગંગા ઘાટ, તેમજ અયોધ્યામાં રામ જન્મભૂમિ, હનુમાન ગઢી સહિતના વિવિધ દર્શનીય અને ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ટૂરમાં બુકિંગ મુજબ 2 AC, 3 AC અને સ્લીપર ક્લાસ (SL) માં ટ્રેન મુસાફરી, રહેવાની વ્યવસ્થા, દર્શનીય સ્થળોની મુલાકાત માટે સ્થાનિક પરિવહન, શુદ્ધ શાકાહારી ભોજન, મુસાફરી વીમો, સુરક્ષા સહિતની વિવિધ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.