ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીના પવિત્ર અવસરે જનજાતિય ગૌરવ સપ્તાહ અંતર્ગત ભિલોડા તાલુકાની પાલ્લા ની આર.એચ.પટેલ વિદ્યાલય ખાતે વિશેષ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પૂવઠા વિભાગના મંત્રી પી.સી.બરંડાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ અવસરે કબ્બડી, દોરડાખેંચ, કોથળાદોડ, લીંબુચમચી અને ગિલ્લીદંડા જેવી પરંપરાગત તેમજ આકર્ષક રમતોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રમતગમતની આ સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક ક્ષમતા, ટીમ સ્પિરિટ અને સ્પર્ધાત્મક વૃત્તિનો વિકાસ થયો હતો.

મંત્રી પી.સી.બરંડાએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના મહાન નાયક અને સ્વાભિમાન ના પ્રતીક છે. તેમની જન્મજયંતીના અવસરે જનજાતિય ગૌરવ સપ્તાહ દ્વારા આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને યોગદાનને સમાજ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે. તેમણે વિદ્યાર્થીઓને રમતગમતમાં સક્રિય રહીને સ્વસ્થ જીવન જીવવા અને શિક્ષણ સાથે સાથે શારીરિક વિકાસ પર પણ ધ્યાન આપવા અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, આવા કાર્યક્રમો દ્વારા નવી પેઢીમાં આદિવાસી ગૌરવ અને એકતાની ભાવના મજબૂત બને છે.કાર્યક્રમના અંતે વિજેતા રમતવીરોને મંત્રીના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર, જિલ્લા અને તાલુકાના વિવિધ પદાધિકારિઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં ગ્રામલોકો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લઈને તેને સફળ બનાવ્યો હતો.આ આયોજન દ્વારા જનજાતિય ગૌરવ સપ્તાહની ભાવનાને વધુ મજબૂત બનાવવામાં આવી છે અને વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રસ જાગૃત કરવામાં આવ્યો છે.