અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જેશીંગપુર ગામની સીમમાં એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતાં મોટરસાયકલચાલક ૨૨ વર્ષીય યુવકનું ગંભીર ઈજાઓના કારણે કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, જેશીંગપુર ગામના એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક ક્રુઝર નંબર GJ18BJ0660ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મોટરસાયકલ ચાલક સુરેશભાઈ નિનામાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.આ અકસ્માત દરમિયાન અન્ય એક બલેરો ગાડીને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ક્રુઝર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે PSI એન.એસ. બારા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

