કેવડિયા ખાતે યોજાનારી એકતા પરેડને લઈને વિવિધ સુરક્ષા દળોના જવાનોની બાઈક રેલી ગુજરાતમાં પ્રવેશી હતી. શામળાજી નજીક રતનપુર બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશેલી આ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા પોલીસની ટીમ પણ ઉપસ્થિત રહી હતી અને રેલીમાં જોડાયેલા જવાનો પર પુષ્પવર્ષા કરી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
લદ્દાખથી પ્રસ્થાન કરેલી આ બાઈક રેલીમાં નોર્થ ઝોન પોલીસની સાથે સીઆરપીએફ અને બીએસએફના જવાનો જોડાયા હતા. 150થી વધુ બાઈકચાલકો સાથે શામળાજી પહોંચેલી રેલીનું શામળાજી મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ રેલીના માધ્યમથી ‘ફાઇટ અગેન્સ્ટ ડ્રગ્સ’, ‘પ્રોટેક્ટ યોર હેલ્થ’ અને ‘સેવ ફેમિલી’ સહિતના સંદેશાઓ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. નશામુક્તિ, સ્વાસ્થ્ય જાગૃતિ અને પરિવારના મહત્વને ઉજાગર કરતા સૂત્રો સાથે આ રેલી આગળ વધી રહી છે.
શામળાજી ખાતેથી રેલીને પોલીસ વડા, શામળાજી મંદિરના વાઇસ ચેરમેન રણવીરસિંહ ડાભી, ટ્રસ્ટી વિપુલ રાણા, આર.જી. બારોટ કોલેજ કેમ્પસના ટ્રસ્ટી કીર્તિકુમાર બારોટ, ત્રિલોકીનાથ મંદિરના પ્રફુલભાઈ ઉપાધ્યાય સહિત ગામના આગેવાનોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
એકતા, જાગૃતિ અને સામાજિક સંદેશ સાથે આગળ વધી રહેલી આ બાઈક રેલીને લઈને શામળાજી ખાતે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.

