અરવલ્લી જિલ્લાની દીકરીએ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. શામળાજી ખાતે પ્રાયોજના વહીવટદારની કચેરીમાં મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી (ATDO) તરીકે ફરજ બજાવતાં કરિશ્માબેન જયંતીભાઈ ડામોરે GPSCની ડાયરેક્ટ ભરતી પ્રક્રિયા અંતર્ગત પરીક્ષા ઉત્તીર્ણ કરી નાયબ પોલીસ અધિક્ષક (ડી.વાય.એસ.પી.) તરીકે પસંદગી મેળવી છે.મૂળ ભિલોડા તાલુકાના કુંડોલપાલ ગામનાં વતની કરિશ્માબેન રાષ્ટ્રપતિ મેડલ વિજેતા પોલીસ અધિકારી જે.ડી. ડામોરનાં પુત્રી છે. તેમના પિતા હાલ મોરબી જિલ્લામાં PSI તરીકે ફરજ બજાવી રહ્યા છે. પિતાની પોલીસ સેવાની પ્રેરણા અને પોતાની મહેનત, લગન તથા દૃઢ સંકલ્પના બળે કરિશ્માબેને આ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.તેમની આ સફળતાથી પરિવારજનો, સ્નેહીજનો અને સમગ્રઆદિવાસી સમાજમાં ખુશીની લાગણી છવાઈ છે. કરિશ્માબેને માત્ર પરિવારનું જ નહીં, પરંતુ સમગ્ર આદિવાસી સમાજ અને અરવલ્લી જિલ્લાનું નામ ગૌરવભેર રોશન કર્યું છે.

તેમની આ સિદ્ધિ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારની અનેક દીકરીઓને ઉચ્ચ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રેરણા પૂરી પાડશે. તેમની ઉજ્જવળ કારકિર્દી માટે ચોતરફથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.