પિત્તાશયના કેન્સરના જોખમ અંગે ટાટા મેમોરિયલ સેન્ટરના ખારઘર, નવી મુંબઈ સ્થિત એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રીટમેન્ટ, રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઇન કેન્સર (ACTREC)ના સંશોધકોએ કરેલા એક મહત્વપૂર્ણ અભ્યાસમાં લોહીમાં ધાતુઓના મિશ્રણ અને પિત્તાશયના કેન્સર વચ્ચે મજબૂત સંબંધ સામે આવ્યો છે. ખાસ કરીને કોપર, કેડમિયમ અને મેંગેનીઝનું વધેલું પ્રમાણ કેન્સરના જોખમ સાથે સંકળાયેલું હોવાનું સંશોધનમાં જાણવા મળ્યું છે. આ અભ્યાસ ૧૪ નવેમ્બરે આંતરરાષ્ટ્રીય સંશોધન જર્નલ 'સાયન્ટિફિક રિપોર્ટ્સ'માં પ્રકાશિત થયો છે.

આ સંશોધનમાં પિત્તાશયના કેન્સરથી પીડિત ૯૧૨ દર્દીઓ અને કેન્સર ન ધરાવતા ૧,૧૪૦ લોકો મળી કુલ ૨,૦૫૨ વ્યક્તિઓના લોહીના નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સંશોધકોના જણાવ્યા મુજબ, કેટલાક દર્દીઓમાં ચોક્કસ ધાતુઓનું પ્રમાણ સામાન્ય મર્યાદા કરતાં છથી સાત ગણું વધારે જોવા મળ્યું હતું. પિત્તાશયની પથરી, તમાકુનું સેવન, સરસવના તેલનો ઉપયોગ અને જન્મસ્થળ જેવા પરિબળોને ધ્યાનમાં લીધા બાદ પણ આ સંબંધ યથાવત રહ્યો હતો.

જાહેરાતAdvertisement

ACTRECના નિયામક ડૉ. પંકજ ચતુર્વેદીના જણાવ્યા અનુસાર, પિત્તાશયના કેન્સરના મોટાભાગના કિસ્સાઓ અંતિમ તબક્કે ઓળખાતા હોવાથી સારવાર મુશ્કેલ બને છે. સંશોધનમાં દૂષિત પાણી, ખેતીના પાક અને હવાના માધ્યમથી ધાતુઓના સંપર્કને સંભવિત કારણો તરીકે દર્શાવવામાં આવ્યા છે.

આ અભ્યાસમાં ભિલોડા ગામ, અરવલ્લીના વતની મયુર ડી. ચૌહાણ સહલેખક તરીકે જોડાયા છે, જે સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત છે. તેમણે જણાવ્યું હતું કે ઊંચા જોખમવાળા વિસ્તારોમાં ધાતુઓના સંપર્કના સ્ત્રોત ઓળખી શકાય તો કેન્સરનું પ્રાથમિક સ્તરે નિવારણ શક્ય બની શકે છે. હાલમાં ABCB4 અને ABCB1 જેવા આનુવંશિક માર્કર્સ તથા બાયોમાર્કર્સ દ્વારા જોખમ ધરાવતી વ્યક્તિઓની વહેલી ઓળખ માટે સંશોધન આગળ વધી રહ્યું છે.

ભિલોડાના યુવાન સંશોધકની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રકાશિત થયેલા આ મહત્વપૂર્ણ સંશોધનમાં સહભાગિતા બદલ સ્થાનિક સ્તરે ગૌરવની લાગણી વ્યાપી છે.