અમદાવાદમાં શારદીય ગરબા મહોત્સવ 2026માં મહિલાઓએ જમાવી ગરબાની રમઝટ
અમદાવાદમાં શ્રી અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદ સંચાલિત મહિલા સમિતિ દ્વારા આયોજિત શારદીયા ગરબા મહોત્સવ 2026માં ગરબાની રમઝટ જામી હતી. સુંદર આયોજન સાથે મહિલાઓએ ઉત્સાહભેર ગરબે ઘૂમી ઉત્સવની મજા માણી હતી.

આ મહોત્સવમાં મહિલાઓને રોજગારીની તક મળી રહે તેવા હેતુથી વિવિધ વેચાણના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને તોરણ, દિવડા સહિતની ચીજવસ્તુઓના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ગરબાની સાથે મહિલાઓને પોતાની બનાવટની વસ્તુઓના વેચાણ દ્વારા આર્થિક રીતે પ્રોત્સાહન મળે તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ આયોજનમાં રાજસ્થાનના ઉદયપુરથી આવેલા બ્રાહ્મણ સમાજના સભ્યોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ગરબાની રમઝટ માણી હતી. આમ, પરંપરા, સંસ્કૃતિ, મહિલા સશક્તિકરણ અને રોજગારીના સુંદર સમન્વય સાથે શારદીય ગરબા મહોત્સવ 2026 યાદગાર બની રહ્યો હતો.

