અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના માકરોડા ગામે આવેલી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે આશરે 12 ફૂટ લાંબો વિશાળ અજગર જોવા મળતાં શાળા પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શાળામાં અજગર દેખાતાં શાળા સંચાલકો દ્વારા તાત્કાલિક ભિલોડા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

શાળાના સંચાલક ફાધર મોઇસને વન વિભાગને જાણ કરતાં જ વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. શાળા પરિસરમાં હાજર વિશાળ અજગરને પકડવા માટે વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. લાંબી મહેનત અને સાવચેતીપૂર્વકની કામગીરી બાદ આશરે 12 ફૂટ લાંબા અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો.

જાહેરાતAdvertisement

ત્યારબાદ વન વિભાગની ટીમ દ્વારા અજગરને તેના કુદરતી રહેઠાણ સમાન જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો.

વન વિભાગની સમયસૂચકતા અને ત્વરિત કામગીરીને પગલે શાળા પરિવાર તથા આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન્યજીવનું રક્ષણ થાય અને કોઈ જાનહાનિ ન થાય તે રીતે કરવામાં આવેલી આ કામગીરીની સરાહના કરવામાં આવી હતી.