મઉ ગામે આવેલા રામજી મંદિરમાં ધાર્મિક પરંપરા અને ભક્તિભાવ સાથે ભવ્ય તુલસી વિવાહ મહોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. ગોપી મંડળ અને કૃષ્ણ મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી તુલસી વિવાહના પવિત્ર દર્શનનો લાભ લીધો હતો.તુલસી વિવાહના પ્રસંગે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઊઠ્યું હતું. ધાર્મિક વિધિ-વિધાન અને પરંપરાગત રીતરિવાજો સાથે તુલસીજી અને ભગવાન શાલિગ્રામના વિવાહની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.

આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ગામના સૌ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની ધાર્મિક પરંપરાને જીવંત રાખી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો.