ભિલોડા તાલુકાના મઉ મુકામે અડસઠ બારીશ પરગણા પ્રણામી સમાજની જનરલ સભા અમરાભાઈ મનાભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ સભામાં સમાજના ઉત્થાન, એકતા અને આગામી 12મા સમૂહલગ્નના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સભા દરમિયાન આગામી સમૂહલગ્નના આયોજનને સુચારુ રીતે આગળ ધપાવવા માટે નવા હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે શોભાયડાના જસુભાઈ એમ. વણકર, મહામંત્રી તરીકે મઉના વસંતભાઈ એચ. સોલંકી તથા અધ્યક્ષ તરીકે રાજેન્દ્રનગરના દેવચંદભાઈ એલ. પ્રણામીની જવાબદારી નક્કી કરવામાં આવી હતી. આ ઉપરાંત સમૂહલગ્નની વ્યવસ્થાઓ માટે કારોબારીની પણ રચના કરવામાં આવી હતી.

જાહેરાતAdvertisement

સભામાં સર્વાનુમતે નક્કી કરાયું હતું કે સમાજના 12મા સમૂહલગ્નનું આયોજન તા. 14 ફેબ્રુઆરી, 2027, રવિવારના રોજ તપોભૂમિ મઉ ખાતે કરવામાં આવશે.

આ પ્રસંગે સમાજના મહાનુભાવોએ સમાજની એકતા, પ્રગતિ અને સમૂહલગ્નના સફળ આયોજન માટે વિવિધ ઉપયોગી સૂચનો રજૂ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ ડી. સોલંકી અને જગદીશભાઈ એમ. સોલંકી (મઉ) દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં જસવંત નિજાનંદીએ આભારવિધિ કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

સમાજના આગેવાનો અને સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ જનરલ સભામાં આગામી સમૂહલગ્નને સફળ બનાવવા સામૂહિક પ્રયાસો કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.