શહેરોમાં વસતી નવી પેઢી પોતાના મૂળ વતનની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને ભવ્ય વારસાથી પરિચિત થાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાન્ડુ ગામે ત્રિદિવસીય 'હાલો ભેરુ ગામડે' વિન્ટર કેમ્પનું ભવ્ય આયોજન; અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા મહાનગરોમાંથી 600થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક જોડાઈ ગ્રામીણ સંસ્કૃતિના જીવંત દર્શન કર્યા...
કેમ્પમાં સહભાગી થયેલા બાળકોએ ઘોડેસવારી, ઊંટસવારી અને ટ્રેક્ટરની સફરનો આનંદ માણ્યો; આધુનિક યુગમાં વિસરાતા જતાં ખેતીના પરંપરાગત ઓજારો જેવા કે હળ, ખપો, રાંપ, સુંડલો, ચાયણો, ઘોડી અને પરણી વિશે બાળકોને પ્રત્યક્ષ નિદર્શન સાથે ઊંડાણપૂર્વકની જાણકારી આપવામાં આવી; જૂના જમાનાના મકાનો, રસોડાના પૌરાણિક વાસણો, વલોણું, ઘંટી, કૂવો અને ગામનો ન્યાય કરતો ચોરો જેવી વ્યવસ્થાઓ દ્વારા બાળકોને વડવાઓની સાદગીપૂર્ણ રહેણીકરણી અને કૌટુંબિક ભાવનાના મૂલ્યો સમજાવવામાં આવ્યા...

