અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી નવનિર્મિત સિવિલ હોસ્પિટલના બંધ ગોડાઉનનું તાળું તોડી રૂ. ૮,૪૬,૪૩૪/-ની કિંમતના ઇલેક્ટ્રિક સામાનની ચોરીના બનાવનો મોડાસા ટાઉન પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી રાજસ્થાનની કાલબેલિયા ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.મોડાસા શામળાજી રોડ પર આવેલી નવી સિવિલ હોસ્પિટલ ના બંધ ગોડાઉનમાંથી ગ્રેટ વ્હાઇટ કંપનીના વાયરના ૧૪૫ બંડલ અને ચાર સ્ટ્રીટ લાઇટની ચોરી અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એસ. મલેક અને પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળની આસપાસ ના ખાનગી સીસીટીવી કેમેરા તેમજ નેત્રમ શાખાના કેમેરાના ફૂટેજ તપાસતાં મહિન્દ્રા ફોરવ્હીલર શંકાસ્પદ જણાઈ હતી. વાહનના આરટીઓ નંબર RJ-38-UA-0712ના આધારે તપાસ કરતાં વાહન રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના રાકેશભાઈ કાલબેલિયાના નામે હોવાનું સામે આવ્યું હતું.વધુ તપાસમાં અનિલ ઉર્ફે અલી કાલબેલિયા અને તેના સાગરીતો રવિ કાલબેલિયા સહિત ત્રણ શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું હતું. આરોપીઓએ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી બંધ ગોડાઉનનું તાળું તોડી વાયરના બંડલોની ચોરી કરી વાહનમાં ભરી રાજસ્થાન લઈ ગયા હતા. ત્યાં ખેતરમાં વાયરો સળગાવી તેમાંથી તાંબું કાઢી વેચાણ માટે રાખ્યું હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું.મોડાસા ટાઉન પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ચોરીમાં વપરાયેલ મહિન્દ્રા-૫૦૦ વાહન કિંમત રૂ. ૧૦ લાખ તથા આશરે ૮૦ કિલો બળેલા વાયરો કિંમત રૂ. ૮૮ હજાર મળી કુલ રૂ. ૧૦.૮૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આમ, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે મોડાસા ટાઉન પોલીસે હોસ્પિટલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી છે.