નાંદોજની સીમમાંથી રૂ. 7.77 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

એલસીબીએ સ્વીફ્ટ કારમાંથી 1,008 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, ચાલક ફરાર

જાહેરાતAdvertisement

અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તાર માં પ્રોહિબિશન અંગેની વોચ દરમિયાન મોટી સફળતા મેળવી હતી. ભિલોડા તાલુકાના નાંદોજ ગામની સીમમાં રીંટોડાથી ગાંભોઈ તરફ જતા માર્ગ પરથી મારૂતિ સ્વીફ્ટ કારમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી મુજબ, એલસીબીની ટીમ રીંટોડા તરફથી આવતા વાહનોનું ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન સફેદ કલરની શંકાસ્પદ સ્વીફ્ટ કાર આવતા તેને રોકવાનો ઈશારો કરવામાં આવ્યો હતો. જોકે, ચાલકે થોડે આગળ કાર ઊભી રાખી નીચે ઉતરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેનો પીછો કરતાં તે અંધારાનો લાભ લઈ ખેતરોમાં થઈ ફરાર થઈ ગયો હતો.

પોલીસે કાર નંબર GJ-36-R- 0111ની તપાસ કરતાં પાછળના ભાગે અને ડેકીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 21 પેટીઓ મળી આવી હતી, જેમાં કુલ 1,008 બોટલો હતી. જેની કિંમત રૂ. 2,77,200 થાય છે. પોલીસે રૂ. 5 લાખની સ્વીફ્ટ કાર સહિત કુલ રૂ. 7,77,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ મામલે ફરાર આરોપી વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કૌશિક સોની અરવલ્લી