મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સ્થિત ૪૨ પાટીદાર સમાજ ઘર ખાતે જિલ્લા પ્રભારી મંત્રી અને ભિલોડાના ધારાસભ્ય પી. સી. બરંડાના અધ્યક્ષ સ્થાને ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બનાસકાંઠાના ભીલડી ખાતેથી 'પીએમ કિસાન સન્માન નિધિ યોજના'ના ૨૪મા હપ્તા પેટે સમગ્ર દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને ₹૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય ડી.બી.ટી. (DBT) મારફતે સીધી જમા કરાવવાના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું એલઈડી સ્ક્રીન પર જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ રસપૂર્વક નિહાળ્યું હતું. આ ૨૪મા હપ્તા અન્વયે મહીસાગર જિલ્લાના ૧,૫૫,૮૪૨ લાભાર્થી ખેડૂતોના આધાર લિંક્ડ બેંક ખાતામાં સીધા ₹૩૧.૨૨ કરોડની સહાય જમા થઈ છે.
કાર્યક્રમને સંબોધતાં પ્રભારી મંત્રી અને ભિલોડાના ધારાસભ્ય પી. સી. બરંડાએ જણાવ્યું હતું કે, ખેડૂતોનું જીવનધોરણ ઊંચું આવે અને તેઓ આત્મનિર્ભર બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ‘પીએમ કિસાન સન્માન નિધિ’ યોજના મારફતે દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં સીધી સહાય જમા થઈ રહી છે, જે ખેડૂતોને બિયારણ, ખાતર અને કૃષિ જરૂરિયાતો પૂર્ણ કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ છે. તેમણે રાસાયણિક ખાતર અને દવાઓના વધુ પડતા ઉપયોગથી થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરતાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા ભારપૂર્વક અપીલ કરી હતી.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રી અને રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ દેશમાં પ્રાકૃતિક ખેતીની એક મોટી ઝુંબેશ શરૂ થઈ છે, જેનાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે અને લોકોનું આરોગ્ય પણ સુધરશે. ઉપરાંત, સરકાર દ્વારા ખેડૂતો માટે ડિજિટલ ક્રોપ સર્વે, એગ્રીસ્ટેક, મિશન કઠોળ, કપાસ મિશન તેમજ બાગાયતી ખેતી માટે અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા ખેડૂતોને આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી અને બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા પ્રગતિશીલ ખેડૂતોનું મંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તદુપરાંત કૃષિ યાંત્રીકીકરણ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને વિવિધ સહાય પેમેન્ટ ઓર્ડર અર્પણ કરાયા હતા.
કાર્યક્રમ દરમિયાન ખેતીવાડી અધિકારી અને કૃષિ વૈજ્ઞાનિક દ્વારા રવિ પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ, ગુણવત્તાયુક્ત બિયારણની પસંદગી, બીજ માવજત અને સુકારા રોગ સામે રક્ષણ મેળવવા અંગે તકનીકી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી તેમજ મહાનુભાવો દ્વારા પ્રદર્શન સ્ટોલની મુલાકાત લેવાઈ હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર, જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકાર યુવરાજ સિધાર્થ, પોલીસ અધિક્ષક સફિન હસન, અગ્રણી દશરથભાઈ સહિત પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

