અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન શ્રી શામળિયાના દર્શનાર્થે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો હતો અને ભક્તોએ શ્રદ્ધા તથા ભક્તિભાવ સાથે આરાધ્ય દેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી શામળિયાના દર્શનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાથી ગુજરાત સહિત આસપાસના વિસ્તારો માંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતા. વહેલી સવારના મંગળા સ્નાન બાદ પણ મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસર ‘જય શામળિયા’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું.મંદિર ટ્રસ્ટના ચેરમેન દિલીપભાઈ ગાંધી,વાઇસ ચેરમેન રણવીરસિંહ ડાભી સહિત ટ્રસ્ટીઓએ દર્શન માટેની વ્યવસ્થા ગોઠવી હતી.પૂર્ણિમાના પવિત્ર દિવસે ભગવાનનાં દર્શન કરી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પરિવારની સુખાકારી માટે ભક્તોએ પ્રાર્થના કરી હતી. દિવસ દરમિયાન પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શામળિયા ના દર્શનાર્થે પહોંચે તેવી શક્યતા છે.