રાજેન્દ્રનગર ખાતે આવેલ સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટને માનવતાવાદી સેવા, પુનર્વસન અને વંચિત સમુદાયોના સશક્તિકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઇંગ્લેન્ડની ‘વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ’ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવ્યું છે. હિંમતનગર ખાતે ટ્રસ્ટને સંજય પંજવાણી વાઇસ પ્રેસિડેન્ટ ભારત રીજનના હસ્તે જસપાલસિંહ સોલંકી ગુજરાત રિજન ના વાઇસ પ્રેસિડેન્ટ ની ઉપસ્થિતિમાં આ સન્માનનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટની સ્થાપના અને તેના સેવાકાર્યો પાછળ સંસ્થાના સ્થાપક સ્વ.પદ્મશ્રી સુરેશભાઈ હરિલાલ સોનીનું જીવનભરનું સમર્પણ રહેલું છે. વર્ષ ૨૦૨૫માં ભારત સરકાર દ્વારા તેમને કુષ્ઠરોગથી પીડિતો, દિવ્યાંગજનો અને જરૂરિયાતમંદ લોકોની નિઃસ્વાર્થ સેવા બદલ પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.વર્ષ ૧૯૮૮થી સાબરકાંઠાની ધરતીને પોતાની કર્મભૂમિ બનાવી સ્વ. સુરેશભાઈ સોનીએ કુષ્ઠરોગથી પીડિત વ્યક્તિઓ, દિવ્યાંગજનો તેમજ સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગોના ઉત્થાન માટે સેવાયજ્ઞ શરૂ કર્યો હતો. ટ્રસ્ટ દ્વારા આરોગ્ય, શિક્ષણ, રહેણાંક સુવિધા, સામાજિક પુનર્વસન અને સશક્તિકરણ ક્ષેત્રે સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
સ્વ. સુરેશ સોનીએ શરૂ કરેલી આ સેવાયાત્રાને ટ્રસ્ટ દ્વારા આજે પણ આગળ ધપાવવામાં આવી રહી છે. જરૂરિયાતમંદ વ્યક્તિઓને સન્માનજનક જીવન જીવવાની તક પૂરી પાડવા, સામાજિક સમાવેશને થયા પ્રોત્સાહન આપવા અને તેમના જીવન ધોરણમાં સુધારો લાવવા ટ્રસ્ટ સતત કાર્યરત છે.સ્વ. પદ્મશ્રી સુરેશ સોનીની માનવતાવાદી વિચારધારા અને વર્ષોની સેવાકીય પ્રવૃત્તિઓની આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાયેલી નોંધરૂપે ટ્રસ્ટને મળેલું આ સન્માન સમગ્ર સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત માટે ગૌરવની બાબત છે.આ પ્રસંગે સ્વ. પદ્મશ્રી સુરેશભાઈ સોનીના પરિવારજનોમાં તેમનાં ધર્મપત્ની શ્રી ઇન્દિરાબેન સોની, પુત્ર દીપકભાઈ સોની, પુત્રવધૂ દીપિકાબેન સોની તથા પુત્રી પારુલબેન તેમજ સુભાષભાઈએ આ આંતરરાષ્ટ્રીય સન્માન સ્વીકાર્યું હતું. સ્વ. સુરેશભાઈ સોનીએ વર્ષો સુધી નિભાવેલી માનવસેવાની પરંપરા અને તેમના સેવાકાર્યોની આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી નોંધ પરિવારજનો માટે ગૌરવ અને ભાવનાત્મક સંતોષની ક્ષણ બની હતી.

