બંધારણ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિઝનને જીવંત રાખવા ભાજપ સરકાર કટિબદ્ધ
અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે પ્રદેશ સહ પ્રવક્તા શ્વેતાબેન બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર અને જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર રાકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

મોડાસા કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા શ્વેતાબેન બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૫માં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે ૨૬ નવેમ્બરને સંવિધાન ગૌરવ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા OBC આયોગને બંધારણીય દરજ્જો, EWS વર્ગને ૧૦ ટકા અનામત, નારી શક્તિ વંદન અધિનિયમ હેઠળ મહિલાઓને ૩૩ ટકા અનામત તથા કલમ ૩૭૦ની નાબૂદી જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે. ઉપરાંત બાબાસાહેબના જીવન સાથે સંકળાયેલા પંચતીર્થનો વિકાસ અને જનધન, આયુષ્માન ભારત તથા પ્રધાનમંત્રી આવાસ જેવી યોજનાઓ દ્વારા સામાજિક ન્યાય અને સમાનતાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે વર્ષ ૧૯૭૫ની કટોકટી અને બાબાસાહેબની ઉપેક્ષાના મુદ્દે કોંગ્રેસની ટીકા કરવામાં આવી હતી. અંતમાં ભાજપ સરકાર બંધારણના મૂળભૂત માળખા, લોકશાહી મૂલ્યો અને નાગરિકોના અધિકારોના જતન માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવાયું હતું.

