દિવાળીના તહેવાર દરમિયાન સાયબર ઠગો દ્વારા લોકોને વિવિધ આકર્ષક સ્કીમની લાલચ આપી છેતરપિંડી આચરવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ભિલોડા તાલુકાના મઉ ગામના વતની અને હાલ મુંબઈ ખાતે દરજીકામનો વ્યવસાય કરતા દીપકકુમાર મૂલચંદભાઈ દરજી સાયબર ઠગાઈનો ભોગ બન્યા હતા. જોકે, સાયબર ક્રાઈમ અને ભિલોડા પોલીસની તપાસ બાદ તેમના ખાતામાંથી ઉપાડવામાં આવેલી રકમ પૈકી રૂ. 47,998 પરત મળતાં તેમણે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, દીપકકુમાર દરજી દિવાળીના તહેવાર નિમિત્તે પોતાના વતન મઉ ગામે આવ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યા ભેજાબાજ શખ્સે તેમને મોબાઈલ રિચાર્જ કરાવવાનું કહી રૂ. 999ના રિચાર્જની જગ્યાએ દિવાળી સ્પેશ્યલ સ્કીમ હેઠળ માત્ર રૂ. 298માં રિચાર્જ કરી આપવાની લાલચ આપી હતી. એટલું જ નહીં, ચોખા, ખાંડ અને તેલની આકર્ષક ઓફર હોવાનું જણાવી તેમને વિશ્વાસમાં લીધા હતા.ત્યારબાદ ઓનલાઈન પ્રક્રિયાના બહાને અજાણ્યા શખ્સે તેમની પાસેથી ઓટીપી (OTP) મેળવી લીધો હતો. આ રીતે મોબાઈલ હેક કરી મુંબઈની ICICI બેંકના ખાતા નંબર 12040150 1439 માંથી રૂ. 53,796ની રકમ ઓન લાઈન ઉપાડી લઈ છેતરપિંડી આચરી હતી.ખાતામાંથી નાણાં ઉપડી ગયાની જાણ થતાં દીપકકુમારે તાત્કાલિક ગાંધીનગર સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ અને ભિલોડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના પરિણામે શુક્રવારની રાત્રે તેમના બેંક ખાતામાં રૂ. 47,998ની રકમ પરત જમા થઈ હતી.સાયબર ઠગાઈમાં નાણાં પરત મળતાં દીપકકુમારે પોલીસ તંત્રનો આભાર માન્યો હતો. સાથે જ અજાણ્યા વ્યક્તિને ઓટીપી કે બેંક સંબંધિત ગુપ્ત માહિતી નહીં આપવાની અપીલ પણ કરવામાં આવી રહી છે.