અરવલ્લી જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તા. ૧૯ અને ૨૦ નવેમ્બર દરમિયાન રાજેન્દ્રનગર ચોકડીથી રતનપુર બોર્ડર તથા રતનપુર બોર્ડરથી રાજેન્દ્રનગર ચોકડી સુધી શામળાજી હાઇવેની બંને બાજુ આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત કુલ ૧૯ હોટલોની તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન વેપારીઓને ફ્રોઝન ડેઝર્ટ અને આઇસક્રીમ માટે અલગ-અલગ ઓળખ દર્શાવતા બોર્ડ ફરજિયાત પ્રદર્શિત કરવા સૂચના આપવામાં આવી હતી. આ બાબતે બેદરકારી દાખવનાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ જવાબદાર હોટલ સંચાલકોના ફૂડ લાઇસન્સ અંગે પણ પગલાં લેવાની ચીમકી આપવામાં આવી હતી.ખાદ્ય ચીજવસ્તુઓના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને પ્રદર્શન માટે ફૂડ લાઇસન્સ અનિવાર્ય હોવાનું જણાવી વેપારીઓને નિયમોનું પાલન કરવા સૂચિત કરાયા હતા.
આ ઉપરાંત શામળાજી ખાતે તા. ૨૧થી ૨૪ નવેમ્બર દરમિયાન યોજાનારા કાર્તિકી પૂનમ મેળાને અનુલક્ષીને ટી-સ્ટોલ, નાસ્તા હાઉસ અને તૈયાર ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા વેપારીઓની રૂબરૂ મુલાકાત લઈ જનતાને શુદ્ધ, સાત્વિક અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.આ તપાસમાં સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર ઉષ્મા દરજી અને ફૂડ સેફ્ટી ઓફિસર વિરલ બરંડા જોડાયા હતા. હોટલોનો તપાસ અહેવાલ રજૂ થયા બાદ ક્ષતિઓ જણાશે તો સંબંધિત પેઢીઓને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરાશે. નિયમો મુજબ લાઇસન્સ સસ્પેન્ડ કે રદ પણ થઈ શકે છે.જિલ્લાની તમામ હોટલો અને રેસ્ટોરન્ટમાં તપાસની કાર્યવાહી સતત ચાલુ રહેશે તેમ ડેઝિગ્નેટેડ ઓફિસર બી.એમ. ગણાવાએ જણાવ્યું હતું.

