અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ગુજરાતમાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને પ્રવેશ અટકાવવા માટે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે શામળાજી પોલીસે અણસોલ પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન હુન્ડાઇ કંપનીની એક્સેન્ટ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 23 બોટલ અને ક્વાર્ટર ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે દારૂ અને હેરાફેરીમાં વપરાયેલી કાર સહિત કુલ રૂ. 3,11,395નો મુદ્દામાલ કબજે કરી બે ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, શામળાજી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. માલની સૂચનાથી પોલીસ સ્ટાફના જવાનો અણસોલ પોલીસ ચેકપોસ્ટ ખાતે રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતાં નાના-મોટા શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન હુન્ડાઇ કંપનીની એક્સેન્ટ કાર નંબર GJ-01-HT-6191 આવતાં પોલીસે તેને ઇશારા અને બેરીકેડિંગની મદદથી રોકાવી હતી.કારમાં સવાર ચાલક સહિત બે ઇસમોની પૂછપરછ કરતાં ચાલકે પોતાનું નામ લક્ષ્મણલાલ શંકરલાલ જેટીયા (ચમાર), ઉંમર 24, રહે. કરૂકડા, તા. કપાસન, જી. ચિત્તોડગઢ (રાજસ્થાન) અને તેની સાથેના ઇસમે પોતાનું નામ સુનિલભાઈ લોભચંદ જયસ્વાલ, ઉંમર 33, રહે. બાડી ઇમ્બાહેડા, જી. ચિત્તોડગઢ (રાજસ્થાન) જણાવ્યું હતું.પોલીસે કારની તપાસ કરતાં વચ્ચેની સીટના નીચેના બોક્સમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટ ની વિદેશી દારૂની કુલ 23 બોટલ-ક્વાર્ટર, કિંમત રૂ. 11,395/-નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત રૂ. 3 લાખની કિંમતની એક્સેન્ટ કાર મળી કુલ રૂ. 3,11,395/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ મામલે કારચાલક સહિત બંને ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

