પૌરાણિક અને વેદશાસ્ત્રોક્ત પરંપરા ધરાવતા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના શ્રી ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિરમાં સૌપ્રથમવાર આયોજિત પાંચ દિવસીય ‘દીપોત્સવ અને દિવાળી મહામહોત્સવ-૨૦૨૬’ અંતર્ગત સોમવતી અમાસના પવિત્ર દિવસે (૯ નવેમ્બર) ભગવાનના અન્નકૂટ મહોત્સવની મહાપૂજા અને દર્શનનો કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો.

ભગવાનના શાહી સ્નાન બાદ રંગેચંગે અને વાજતે-ગાજતે અન્નકૂટ શોભાયાત્રા યોજાઈ હતી. ત્યારબાદ ભગવાન સમક્ષ વિવિધ મીઠાઈઓ, સ્વાદિષ્ટ વ્યંજનો, સુકામેવા અને ફળફળાદિનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મુખ્ય યજમાન જશુબેન કાંતિલાલ પંડ્યા પરિવાર તથા કમલેશભાઈ જયંતીલાલ ભટ્ટ દ્વારા ભગવાનની ષોડશોપચાર મહાપૂજા અને અન્નકૂટ મહાપૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે ત્રિવેદી મેવાડા સમાજના જ્ઞાતિજનો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મહાઆરતી બાદ હજારો ભાવિકોએ અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.

જાહેરાતAdvertisement

સમગ્ર મહામહોત્સવનું આયોજન શ્રી ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના ચેરમેન ભરતભાઈ ઉપાધ્યાય, મંત્રી પ્રકાશભાઈ જોશી, સહમંત્રી ધર્મેશભાઈ ઉપાધ્યાય, હર્ષદભાઈ ત્રિવેદી સહિત ટ્રસ્ટીઓએ સમગ્ર આયોજનમાં માર્ગદર્શન અને સહયોગ આપ્યો હતો.

મહોત્સવની પરિકલ્પના, સંકલન અને વ્યવસ્થાપનમાં અંજુબહેન-રાકેશભાઈ ઉપાધ્યાય તથા પારુલબહેન-પ્રફુલ્લભાઈ ઉપાધ્યાયનું વિશેષ યોગદાન રહ્યું હતું. જયેશભાઈ અનિરુદ્ધ પંડ્યા (વાંકાનેર) અને ગિરીશભાઈ પ્રહલાદરાય ઉપાધ્યાય (ભિલોડા)ના સહયોગથી પાંચ દિવસીય મહોત્સવ ભવ્ય રીતે સફળ રહ્યો હતો.