અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના શામળપુર ગામની સીમમાં જિલ્લા એલ.સી.બી. પોલીસે પ્રોહીબિશન વિરુદ્ધની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. પોલીસ દ્વારા મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના કુલ ૭૦૮ બોટલ/ટીન ક્વાર્ટર મળી કુલ રૂ.૩,૧૧,૨૮૦/-નો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે દારૂની હેરાફેરીમાં વપરાયેલી રૂ.૫ લાખની સ્કોર્પિયો ગાડી સહિત કુલ રૂ.૮,૧૧,૨૮૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જોકે, ગાડીમાં સવાર બે શખ્સો પોલીસને ચકમો આપી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, અરવલ્લી જિલ્લા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતા હેઠળ પો.સ.ઇ. વી.જે. તોમર, પો.સ.ઇ. વી.ડી. વાઘેલા તથા એલ.સી.બી. ની ટીમ શામળાજી ના શામળપુર ગામની સીમમાં શામળાજી આશ્રમથી હિંમતનગર તરફ જતા માર્ગ પર પ્રોહી વોચ અને નાકાબંધીમાં હતી. તે દરમિયાન શામળાજી આશ્રમ તરફથી આવતી સફેદ કલરની શંકાસ્પદ મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીને રોકવાનો ઇશારો કરતાં ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે હિંમતનગર તરફ ભગાવી મૂકી હતી.પોલીસે ખાનગી વાહનથી પીછો કરતાં ચાલકે ગડાદર પુલ પાસેથી યુ-ટર્ન મારી શામળાજી તરફ ગાડી દોડાવી હતી. અંતે શામળપુર ગામની સીમમાં રસ્તા ની સાઇડમાં ગાડી મૂકીને ચાલક અને તેની સાથેનો અન્ય એક શખ્સ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે ગાડીની તપાસ કરતાં નંબર GJ.01. KN.1581 ધરાવતી સ્કોર્પિયો માંથી દારૂ અને બિયરના ૨૮ પેટીમાં ભરેલા કુલ ૭૦૮ ક્વાર્ટર મળી આવ્યા હતા.પોલીસે દારૂનો જથ્થો અને સ્કોર્પિયો ગાડી મળી કુલ રૂ.૮,૧૧,૨૮૦/-નો મુદ્દામાલ કબજે કરી બંને અજાણ્યા ફરાર આરોપીઓ વિરુદ્ધ શામળાજી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ફરાર બંને શખ્સોને ઝડપી પાડવા વધુ તપાસ શરૂ કરી છે.