અરવલ્લી જિલ્લા એલ.સી.બી. પોલીસે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના વેણપુર ગામની સીમમાં શામળાજી બ્રિજ નજીક પ્રોહિબિશન વોચ અને નાકાબંધી દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી હતી. પોલીસે હોન્ડા જાઝ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના કુલ ૯૮૪ બોટલ-ટીન કિંમત રૂ. ૨,૭૩,૬૦૦/-નો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂની હેરાફેરીમાં વપરાયેલી કાર સહિત કુલ રૂ. ૭,૭૩,૬૦૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ એલ.સી.બી. પોલીસની ટીમ શામળાજી બ્રિજ પાસે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન રતનપુર તરફથી સફેદ કલરની હોન્ડા જાઝ કાર નંબર GJ18BK5691 આવતાં પોલીસે તેને ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો. જોકે, કારચાલકે ગાડી ઊભી રાખવાના બદલે યુ-ટર્ન મારી રોંગ સાઇડમાં વેણપુર તરફ પૂરઝડપે ભગાવી હતી.પોલીસે કારનો પીછો કરતાં કારચાલક વેણપુર ગામની સીમમાં રસ્તા પર કાર મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે કારની તપાસ કરતાં તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ ૨૩ પેટીઓ મળી આવી હતી, જેમાં કુલ ૯૮૪ બોટલ-ટીન હતાં.વધુ તપાસમાં કારની આગળ-પાછળ લગાવેલી GJ18BK5691 નંબર પ્લેટ ખોટી હોવાનું અને કારનો અસલી રજિસ્ટ્રેશન નંબર RJ27CG 0865 હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત કારમાંથી GJ05RB 3034 નંબરની બે આર.ટી.ઓ. નંબર પ્લેટ પણ મળી આવી હતી.

જાહેરાતAdvertisement

પોલીસે રૂ. ૨,૭૩,૬૦૦/-નો વિદેશી દારૂ તથા રૂ. ૫ લાખની કાર મળી કુલ રૂ. ૭,૭૩,૬૦૦/-નો મુદ્દામાલ કબજે કરી ફરાર કારચાલક વિરુદ્ધ શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.