અરવલ્લી જિલ્લાના શિક્ષણ જગત માટે ગૌરવની બાબત છે કે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં મદદનીશ શિક્ષણ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા ડૉ. નિકુંજ સુંદરસાથ દ્વારા ભોપાલ ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં આદિવાસી જનનાયક મોતીલાલ તેજાવતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન અંગે સંશોધન પેપર રજૂ કરવામાં આવ્યું હતું.

શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સંશોધન કેન્દ્ર, રાજકોટ તથા રીજનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશન (NCERT-RIE), ભોપાલના સંયુક્ત ઉપક્રમે "સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી જનનાયકોનું યોગદાન" વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ડૉ. નિકુંજ સુંદરસાથ દ્વારા "સ્વાતંત્ર્ય સંગ્રામમાં શ્રી મોતીલાલ તેજાવતનું યોગદાન" વિષય પર સંશોધન પેપર રજૂ કરવામાં આવ્યું હતું.સંશોધન પેપરમાં રાજસ્થાન અને ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં મોતીલાલ તેજાવત દ્વારા કરવામાં આવેલા સામાજિક, આર્થિક અને રાજકીય જાગૃતિના પ્રયાસો, આદિવાસી સમાજના શોષણ સામેનું તેમનું નેતૃત્વ તથા ઐતિહાસિક એકી આંદોલન વિશે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. આદિવાસી સમાજને વેઠપ્રથા, અન્યાયી કરવેરા અને શોષણમાંથી મુક્ત કરાવવા માટે તેમણે કરેલા સંઘર્ષને સ્વાતંત્ર્ય ચળવળના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પાલ-દઢવાવ ખાતે બનેલી ઐતિહાસિક કરુણ ઘટના જલિયાંવાલા બાગ હત્યાકાંડની જેમ જ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં આદિવાસી સમાજના અદ્વિતીય બલિદાન તરીકે ઓળખાતી. જેમાં નિર્દોષ આદિવાસીઓએ પોતાના હક અને અધિકારો માટે લડતાં પ્રાણોની આહુતિ આપી હતી.