અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા વાંકાટીંબા ગામે ખેડૂતો અને ગ્રામજનો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. મેશ્વો જળાશય ઉદ્વહન યોજના અંતર્ગત ગામના તળાવમાં મેશ્વો ડેમમાંથી પાણી છોડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી પી.સી. બરંડાના હસ્તે વિધિવત શ્રીફળ વધેરી તળાવમાં પાણી છોડવામાં આવ્યું હતું.

મેશ્વો ડેમમાંથી તળાવમાં પાણી છોડવામાં આવતા ગામના તળાવમાં જળસંગ્રહની ક્ષમતામાં વધારો થશે. આ ઉપરાંત આસપાસ ના વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ઊંચું આવવાની સાથે બોર અને કૂવાઓ રિચાર્જ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.તળાવમાં પાણીની આવક થવાથી ખેતીવાડી માટે પાણીની ઉપલબ્ધતામાં વધારો થશે તેમજ પશુપાલકોને પણ પશુઓ માટે પીવાના પાણીની સુવિધા મળશે. ઉનાળાની ઋતુમાં પાણીની અછત સામે રાહત મળવાની સાથે ગ્રામજનોને પણ મોટો લાભ થશે.

જાહેરાતAdvertisement

મેશ્વો જળાશય ઉદ્વહન યોજના અંતર્ગત હાથ ધરાયેલી આ કામગીરીથી વાંકાટીંબા ગામ સહિત આસપાસના વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે. જળસંગ્રહ વધારવા અને ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવા માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા ગ્રામજનોમાં વ્યક્ત થઈ રહી છે.

કૌશિક સોની અરવલ્લી