અરવલ્લી જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગર દ્વારા બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાત્રક ગામની સીમમાં ધનસુરા તરફથી આવતા માર્ગ પર દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે સફેદ કલરના વાહન નંબર MH 23 BH 9747 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તેમજ બીયરના ટીન-કેન મળી કુલ 89 પેટીનો જથ્થો કબજે કર્યો હતો. જેની કિંમત રૂ.10,19,076 હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂ.10 લાખની કિંમતનું વાહન પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

આમ, પોલીસે વિદેશી દારૂના જથ્થા અને વાહન સહિત કુલ રૂ.20,76,095નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ ગુનામાં દારૂ ભરેલી ગાડીના ચાલક અને તેની બાજુમાં બેઠેલા ક્લીનર સહિત અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ રાજસ્થાન રાજ્યમાંથી દારૂનો જથ્થો લાવી ગુજરાતમાં અમદાવાદ ખાતે પહોંચાડવાનો હતો.આ સમગ્ર મામલે બાયડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

